ટીમ ઇન્ડિયાને 1983માં વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)ને ભારતીય ટીમના મુખ્ય કોચની પસંદગી કરવા માટે લીલી ઝંડી આપી દેવાઇ હોવાનું અહીં વહીવટદારોની કમિટી (સીઓએ) દ્વારા જણાવાયું હતું. કમિટીમાં સામેલ ત્રણેય સભ્યો સામે હિતોના ટકરાવનો કોઇ મામલો નથી તેથી હવે તેઓ નવા કોચની પસંદગીનું કાર્ય શરૂ કરી શકશે.
કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની આ કમિટી ઓગસ્ટના મધ્યભાગ સુધીમાં ટીમના કોચની પસંદગી કરી શકશે. આ બાબતે વહીવટદારોની સમિતિ (સીઓએ)એ કહ્યું છે કે અમે ડેકલેરેશન લેટરની તપાસ કરી લીધી છે અને તેમાં બધુ યોગ્ય જણાયું છે. હવે કપિલની આગેવાની હેઠળની કમિટી નવા કોચને ફાઇનલ કરશે. વિનોદ રાયે કહ્યું છે કે સીએસી જે નિર્ણય કરે તે અંતિમ ગણાશે અને તેઓ જ શોર્ટલિસ્ટેડ ઉમેદવારોના ઇન્ટરવ્યુ કરશે. આ ઇન્ટરવ્યુ ઓગસ્ટના મધ્યભાગે કરવામાં આવશે. હેડ કોચ અને અન્ય સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ બે વર્ષનો હશે.
એ ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ, બેટિંગ કોચ, ફિલ્ડીંગ કોચ, સ્ટેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ, ફિઝિયો અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજરના પદ માટે અરજીઓ મગાવી હતી. બીસીસીઆઇને હેડ કોચ માટે 2000થી વધુ અરજીઓ મળી છે.