ચેન્નઇ : સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં મનીષ પાંડેની આક્રમક ૮૩ રનની ઇનિંગના પ્રતાપે મુકેલા 176 રનના લક્ષ્યાંકને ચેન્નઇ સુપર કિંગ્સે શેન વોટ્સનના આક્રમક 96 રનની મદદથી 19.3 ઓવરમાં 3 વિકેટે કબજે કરી લઇને મેચ 7 વિકેટે જીતી લઇને ફરી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું.
176 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇ શરૂઆતમાં જ ફાફ ડુ પ્લેસિસની વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી શેન વોટ્સન અને સુરેશ રૈનાઍ મળીને 77 રનની ઝડપી ભાગીદારી કરીને મુશ્કેલી મારી હઠાવી હતી. રૈના 38 રન કરીને આઉટ થયો તે પછી વોટ્સને જારદાર ફટકાબાજી કરીને રાયડુ સાથે 80 રનની ભાગીદારી કરીને સ્કોર 160 પર પહોંચાડ્યો ત્યારે તે અંગત 96 રને આઉટ થયો હતો, વોટ્સન આઉટ થયો તે પછીની 2 ઓવરમાં માત્ર 7 રન આવતા ચેન્નઇઍ છેલ્લી ઓવરમાં 9 રન કરવાના આવ્યા હતા અને તે 5 બોલમાં પુરા કરીને ચેન્નઇ 6 વિકેટે મેચ જીતી ગયું હતું.
હાલની સિઝનમાં પહેલીવાર મનીષ પાંડેઍ આક્રમક બેટિંગ કરીને 49 બોલમાં 83 રન કર્યા
મહેન્દ્ર સિંહ ધોનીઍ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી અને તે પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી અને મેચની બીજી જ ઓવરમાં હરભજને જોની બેયરસ્ટોને વિકેટ પાછળ ધોનીના હાથમાં ઝીલાવી દીધો હતો. તે પછી બેટિંગમાં આવેલા મનીષ પાંડેઍ હાલની સિઝનમાં પહેલીવાર આક્રમક બેટિંગ કરીને પાવરપ્લેમાં દીપક ચાહર અને હરભજન પર દબાણ ઊભું કર્યુ હતું. પાવરપ્લે પછી પણ વોર્નર અને પાંડેઍ રનગતી અટકવા દીધી નહોતી મનીષ પાંડેઍ 25 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. જ્યારે વોર્નરે 39 બોલમાં અર્ધસદી ફટકારી હતી. વોર્નર આઉટ થયા પછી પાંડેઍ વિજય શંકર સાથે 33 બોલમાં 47 રનની ભાગીદારી કરી હતી પણ સનરાઇઝર્સ અંતિમ 5 ઓવરોમાં માત્ર 41 રન જ કરી શક્યું હતું.