ચેન્નઇ : આઇપીઍલની ૧૨મી સિઝનમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ જારદાર ફોર્મમાં છે, તેમણે અત્યાર સુધી રમેલી પાંચ મેચમાંથી માત્ર ઍક મેચ મુંબઇ સામે હારી છે અને બાકીની તમામ મેચ તેણે જીતી છે, ત્યારે આવતીકાલે મંગળવારે તેઓ જ્યારે અંહીના ઍમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર બે વારની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેદાને ઉતરશે ત્યારે બધાની નજર બીજા કોઇ પર નહીં પણ આન્દ્રે રસેલ પર રહેશે અને ધોની તેની સામે કઇ વ્યુહરચના અજમાવે તેના પર પણ બધાનું ધ્યાન રહેશે.
તોફાની વાવાઝોડાની જેમ બેટિંગ કરતાં રસેલને રોકવા ધોનીઍ આગવી વ્યુહરચના ઘડવી પડશે
આન્દ્રે રસેલ કોલકાતાની આગવી તાકાત બની ગયો છે અને જે રીતે તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં આરસીબીના મ્હોમાંથી વિજયનો કોળિયો છીનવી લીધો હતો તે બધાને યાદ જ હશે. ચેન્નઇ આમ તો પોતાની આગલી મેચમા કિંગ્સ ઇલેવન પંજાબને હરાવીને આવી છે. આ મેચમાં તેણે પોતાના અોછા સ્કોરને ડિફેન્ડ કરી બતાવ્યો છે. ચેન્નઇનું મજબૂત પાસું તેના કેપ્ટન ધોનીની વ્યુહરચના છે. જા કે રસેલ સામે તેણે અલગથી આગવી યોજના ઘડવી પડી શકે છે.
ધોની પહેલા આવું કરી ચુકયો છે, તેણે પંજાબ સામેની મેચમાં ક્રિસ ગેલને, તો બેંગ્લોર સામેની મેચમાં કોહલીને શાંત રાખ્યા હતા, ત્યારે ઍ જાવું રસપ્રદ બની રહેશે કે ધોની રસેલને કેવી રીતે રોકશે. ચેન્નઇ પાસે ઍવા બોલરો છે જેમની પાસે અનુભવની ખોટ નથી. હરભજન સિંહ, શેન વોટ્સન, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા કોઇપણ બેટ્સમેનને પોતાની જાળમાં ફસાવી શકે છે. બ્રાવો ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને આવેલો સ્કોટ કગ્લેન તેની ખોટ પુરી કરવા સક્ષમ છે.