ચેન્નઇ : મુંબઇ ઇન્ડિયન્સ સામેના પરાજયને પગલે રન રેટ પર પડેલી અસરથી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકેલી ચેન્નઇ સુપર કિંગ્સ આવતીકાલે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે મેદાને ઉતરશે ત્યારે તેનો ઇરાદો વિજય મેળવીને ફરી ઍકવાર પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવા પર હશે. હાલની આઇપીઍલમાં બે શ્રેષ્ઠ ટીમ વચ્ચેની આ મેચ ઍક રસપ્રદ મુકાબલો બની રહેશે ઍવી આશા રાખવામાં આવી રહી છે.
ધોની મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં રમી શક્યો નહોતો અને તેમાં પરાજયને કારણે તેમની રનરેટ માઇનસમાં પહોંચી ગઇ છે. હવે ચેન્નઇઍ માત્ર બે મેચ રમવાની છે અને આવતીકાલની મેચમાં પણ ધોનીના રમવા આડે શંકા સેવાઇ રહી છે. બંને ટીમ પોતાની છેલ્લી બે મેચ જીતીને ક્વોલિફાયરમાં મજબૂત આત્મવિશ્વાસથી રમવા ઉતરવા માગશે. બંને ટીમના ઍકસરખા ૧૬ પોઇન્ટ છે પણ સારી રનરેટના કારણે દિલ્હી ટોચના સ્થાને છે.
ધોની આ મેચમાં ફિટ થઇને રમવા ઉતરે ઍવી આશા રાખવામાં આવે છે, જા કે ચેન્નઇ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફલેમિંગે ઍવું કહ્યું હતું કે ધોનીના રમવા અંગે ટોસ પહેલા નિર્ણય કરાશે. રવિન્દ્ર જાડેજા સાજા થઇ ગયો છે અને તે રમવા માટે તૈયાર છે. દિલ્હી કેપિટલ્સે છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીતી હોવાથી તેમનો આત્મવિશ્વાસ ઉંચો છે અને શ્રેયસ ઐય્યરની આગેવાની હેઠળ તેઅો ચેન્નઇ સુપર કિંગ્સને તેના ઘરમાં હરાવવાની ઇચ્છા ધરાવે છે.