લંડનમાં રમાતી વાઇટલિટી ટી-20 બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં લેસ્ટરશાયરના પાર્ટ ટાઇમ બોલર કોલિન એકરમેને બર્મિંઘમ સામે જોરદાર બોલિંગનું પ્રદર્શન કરીને કુલ 7 વિકેટ ઉપાડીને ટી-20 ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવી લીધો હતો. 28 વર્ષના દક્ષિણ આફ્રિકન મુળના સ્પિનરે માઇકલ બર્ગેસ, સેમ હેન, વિલ રોડ્સ, લિયામ બેન્ક્સ, એલેક્સ થોમસન, હેનરી બ્રુક્સ અને જીતન પટેલને પોતાના શિકાર બનાવ્યા હતા.
એકરમેનની બોલિંગને કારણે બર્મિંઘમની ટીમ 190 રનના લક્ષ્યાંક સામે 134 રનમાં ઓલઆઉટ થઇ હતી. એકરમેન ટી-20 ક્રિકેટમાં એક મેચમાં 7 વિકેટ ઉપાડનારો વિશ્વનો પહેલો બોલર બન્યો હતો. તેણે સાતમાંથી 6 વિકેટ તો શરૂઆતની બે ઓવરમાં જ ઉપાડી હતી. બર્મિંઘમે અંતિમ 8 વિકેટ 20 રનમાં ગુમાવી હતી.