વર્ષના પહેલા દિવસે ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 18 બોલમાં અડધીસદી ફટકારનારા કોલિન મુનરોએ બુધવારે ટી20 ક્રિકેટમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. વેસ્ટઈન્ડીઝ સામે ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન મુનરોએ માઉંટ મૌંગાનુઈમાં માત્ર 53 બોલમાં 104 રનની ધમાકેદાર ઈનિંગ કરી હતી. જેમાં 10 સિક્સ અને 3 ફોરનો સમાવેશ થાય છે.
મુનરોની ટી20માં ત્રીજી સદી
મુનરોની ટી20માં આ ત્રીજી સદી છે.આ સાથે જ આંતરરાષ્ટ્રિય ટી20 ફોર્મેટમાં આટલી સદી નોંધાવનો પહેલો ખેલાડી બની ગયો છે. કોલિન મુનરોએ પોતાની પહેલી સદી પણ આજ મેદાન પર ગત વર્ષે 7 જાન્યુઆરીના રોજ ફટકારી હતી. ત્યાર બાદ નવેમ્બરમાં ભારત સામે રાજકોટમાં 109 રન કરી ફટકારી હતી.
ન્યુઝીલેન્ડે ટી20 સીરીઝ પર કબ્જો કર્યો
મુનરોની આ સેન્ચુરીથી ન્યૂઝીલેન્ડે 244 રનનો ટારગેટ આપ્યો. આ ટારગેટનો પીછો કરતા વેસ્ટઈન્ડીઝની ટીમ 124 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ન્યૂઝીલેન્ડે ત્રણ ટી-20ની સીરીઝ 2-0થી જીતી લીધી. વરસાદને કારણે બીજી મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
ટી20માં મુનરોના નામે સૌથી વધુ સદી
ટી-20 ઈન્ટરનેશનલ સેન્ચુરીની વાત કરીએ તો 30 વર્ષીય મુનરોના નામે ત્રણ સેન્ચુરી જ્યારે કેરેબિયન ધુરંધર ક્રિસ ગેલ, રોહિત શર્મા ઉપરાંત ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બ્રેંડન મેક્કુલમ અને વેસ્ટઈન્ડિઝના એવિન લેવિસના નામે 2-2 સેન્ચુરી છે. આમ આ રીતે મુનરોએ રોહિત અને ગેલ જેવા બેટ્સમેનોને પણ પાછળ રાખી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.