ભારતીય ટીમ બુધવારે અહીં જ્યારે ઇજાઓથી પીડાતી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે આઇસીસી વર્લ્ડકપ 2019ની પોતાની પહેલી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે વિરાટ કોહલીના ખભા પર કરોડો લોકોની આશાનો ભાર હશે, જા કે ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં ટાઇટલના પ્રબળ દાવેદારોમાંથી ઍક છે અને તેમની પહેલી મેચ ચોકર્સ તરીકે પંકાયેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે છે, ત્યારે ટીમ ઇન્ડિયાની નજર સ્પર્ધાનો વિજયી પ્રારંભ કરવા પર જ હશે. સાથે જ યજમાન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે પરાજીત થયેલી દક્ષિણ આફ્રિકા પણ પોતાનો પહેલો વિજય મેળવવાનો ઇરાદો ઘ્ધરાવતું હશે, તેથી ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યાથી શરૂ થનારી આ મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે.
દક્ષિણ આફ્રિકા માટે સમસ્યાનો અંત નથી આવી રહ્યો પહેલી બે મેચ તેઓ હાર્યા છે અને હવે તેમનો મુખ્ય બોલર ડેલ સ્ટેન વર્લ્ડ કપમાંથી આઉટ થયો છે. આ ઉપરાંત ભારતીય ટીમ સામે લુંગી ઍન્ગીડી પણ રમી શકવાની સ્થિતિમાં નથી. જ્યારે અમલાનું પણ રમવાનું નક્કી નથી. વોર્મ અપ મેચમાં ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ સ્વિંગ બોલિંગ સામે વિખેરાઇ હતી, તેથી સ્ટેન અને ઍન્ગીડી ન હોવાથી ભારતીય ટીમ માટે ઍ રાહતજનક વાત રહેશે.
ભારતીય ટીમની બેટિંગ ટોપ ઓર્ડરના 3 બેટ્સમેનો પર નિર્ભર રહે છે. આ ત્રણમાંથી કોઇ ઍક પણ જો લાંબો સમય સુધી ક્રિઝ પર હાજર રહેશે તો ભારતીય ટીમ પડકારજનક સ્કોર નોંધાવી શકશે. જો ત્રણેય ફેલ જાય તો પછી ભારતીય ટીમનું મિડલ ઓર્ડર પણ વિખેરાઇ જાય છે, આ સ્થિતિમાં શિખર ધવન અને રોહિત શર્મા પાસે સારી શરૂઆતની આશા રાખવામાં આવશે. આવતીકાલની મેચમાં કેદાર જાદવનો અંતિમ ઇલેવનમાં સમાવેશ થવાની સંભાવના છે. તેનો સીધો મતલબ ઍ થાય છે કે કદાચ વિજય શંકરનો સમાવેશ અંતિમ ઇલેવનમાં કરવામાં નહીં આવે. ભારતીય ટીમ બે સ્પિનર સાથે ઉતરે છે કે ત્રણ ઝડપી બોલર સાથે તે આવતીકાલે મેદાનની સ્થિતિ અને હવામાનને ધ્યાને લઇને નક્કી કરવામાં આવશે.