લંડન : ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટર એલેક્સ હેપબર્નને સૂતેલી મહિલા પર બળાત્કાર કરવાના કેસમાં કસુરવાર ઠેરવવામાં આવ્યો છે. 23 વર્ષિય હેપબર્ન ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં વોરસેસ્ટરશાયર વતી રમે છે. વોરસેસ્ટરશાયર ક્રાઉન કોર્ટે લગભગ 11 કલાક સુધી દલીલો સાંભળ્યા પછી સંભળાવેલા ચુકાદામાં આ ક્રિકેટરને કસુરવાર ગણાવ્યો હતો. હેપબર્ન 2013માં ક્રિકેટમાં કેરિયર બનાવવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો.
આ ઘટના એપ્રિલ 2017માં નાઇટ આઉટ દરમિયાન વોરસેસ્ટરશાયરમાં બની હતી. આ મહિલા જો ક્લાર્કને એક પબમાં મળી હતી. તે પછી એ મહિલા તેમની સાથે તેમના ફ્લેટ પર આવી હતી અને ત્યાં તેણે સહમતિથી સેક્સ માણ્યું હતું. હેપબર્નનું કહેવું હતું કે પિડીત મહિલાએ આ ઘટના પહેલા પોતાની આંખો ખોલી અને મને કિસ કરી તે પછી અમે સહમતિથી સેક્સ કર્યું હતું.
મહિલાનું એવું કહેવું હતું કે તેણે હેપબર્ન સાથે સેક્સ તેને જો ક્લાર્ક સમજીને કર્યું હતું. જે થોડા સમય પહેલા બેડ પર તેની સાથે હતો. તે પછી તે બાથરૂમમાં ચાલ્યો ગયો હતો અને હેપબર્ને બેડરૂમના અંધારાનો ફાયદો ઉઠાવીને તેની સાથે રેપ કર્યો હતો. કોર્ટની સુનાવણીમાં એ વાત સામે આવી હતી કે જો ક્લાર્ક અને એલેક્સ હેપબર્ને એક સેક્સ ગેમ માટે વોટ્સએપ ચેટ ગ્રુપ બનાવ્યું હતું જો કે એલેક્સનું એવું કહેવું હતું કે તેણે આવું શરત જીતવા માટે નહોતું કર્યું. તેમની વચ્ચે ઘણી અલગ અલગ મહિલાઓ સાથે સેક્સ કરવાની શરત લાગી હતી. એલેક્સે એવું કહ્યું હતું કે પોતાની આ હરકત બદલ શરમ અનુભવે છે.