વર્લ્ડ કપની પોતાની પહેલી બે મેચ હારી ચુકેલી દક્ષિણ આફ્રિકન ટીમને ભારતીય ટીમ સામેની મેચની પૂર્વ સંધ્યાઍ ત્યારે મોટો ફટકો પડ્યો હતો, જ્યારે તેમનો સ્ટાર ઝડપી હોલર ડેલ સ્ટેન ખભાની ઇજાને કારણે વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો હતો. તેની આ ઇજા હવે કદાચ તેની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિનું કારણ પણ બની શકે તેમ છે. દક્ષિણ આફ્રિકાઍ ઇવેન્ટ ટેક્નીકલ કમિટી પાસેથી મંજૂરી મેળવીને તેના સ્થાને ડાબોડી ઝડપી બોલર બ્યુરેન હેન્ડ્રિક્સનો સમાવેશ કર્યો છે.
35 વર્ષના સ્ટેન માટે હવે પાછા ફરવું લગભગ મુશ્કેલ છે. આઇપીઍલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી કેટલીક મેચ રમ્યા પછી તેના બીજા ખભામાં ઇજા થઇ હતી અને તેના કારણે તે ઘરભેગો થયો હતો. તેના સ્થાને બ્યુરન હેન્ડ્રિક્સનો સમાવેશને વર્લ્ડ કપની ઇવેન્ટ ટેક્નીકલ કમિટીઍ મંજૂરી આપી હોવાની આઇસીસીઍ પુષ્ટિ કરી હતી. આ ઘટનાક્રમને કારણે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હતાશ થાય તે સમજી શકાય તેમ છે.
ડુ પ્લેસિસે કહ્યું હતું કે ટીમમાં પાછા ફરવા માટે ડેલ ઘણી મહેનત કરી રહ્યો હતો. તેના માટે અઢી વર્ષ ઘણાં કપરાં ગયા છે. ઍક તરફ તેની નિવૃત્તિની શક્યતા છે ત્યારે ટીમના ડોક્ટર મહંમદ મૂસાજીઍ કહ્યું હતું કે હું માનું છુ કે તે પાછો ફરશે. તેના ઇજાગ્રસ્ત ખભાની સારવાર ચાલી રહી હતી પણ છતાં તેમાં સુધારો થયો નહોતો.