મુંબઇ : વર્લ્ડ કપ 2019 માટે દિગ્ગજ માજી ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કરે ઍવી આગાહી કરી છે કે યજમાન ઇંગ્લેન્ડની ટીમ આ વખતે પહેલીવાર વિશ્વ વિજેતા બની શકે છે. ગાવસ્કરે પોતાની વાતના સમર્થનમાં કહ્યું હતું કે 2015ના વર્લ્ડકપમાં મળેલા પરાજય પછી ઇંગ્લેન્ડની ટીમમાં ઘણાં બદલાવ આવ્યા છે અને તેના કારણે જ તે મારી ફેવરિટ ટીમ છે. આ સાથે જ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને ટીમ ઇન્ડિયાને પણ મજબૂત દાવેદાર ગણાવ્યા હતા.
ઍક ઇન્ટરવ્યુમાં બોલતા ગાવસ્કરે કહ્યું હતું કે ઇંગ્લેન્ડ મારી ફેવરિટ ટીમ છે. વર્લ્ડ કપ 2015માં ખુબ જ ખરાબ પ્રદર્શન પછી તેમની વિચારસરણીમાં મોટો ફરક દેખાયો છે, રમત રમવાની તેમની પદ્ધતિ બદલાઇ ગઇ છે. તાજેતરની તમામ મેચમાં યજમાન ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યુ છે. આ સાથે જ ગાવસ્કરે ઍવું કહ્યું હતું કે જા છેલ્લા બે વર્લ્ડ કપને ધ્યાને લેવામાં આવે તો જે યજમાન ટીમ હોય છે તે જ ચેમ્પિયન બની છે. જો કે સાથે જ ગાવસ્કરે ઍવું પણ કહ્યું હતું કે ક્રિકેટમાં ગમે તે થઇ શકે છે. તેમના મતે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથના આવવાથી ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મજબૂત થઇ છે. સાથે જ તેમણે વેસ્ટઇન્ડિઝ અને ટીમ ઇન્ડિયાને પણ દાવેદાર ગણાવ્યા હતા.