દિલ્લી : બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે વર્ષ ૨૦૧૩ના સ્પોટ ફિક્સિંગ મામલામાં સામેલ ૧૩ લોકોના નામ જાહેર કરવાની માગ કરી છે. ફેબ્રુઆરી ૨૦૧૪માં ન્યાયધીશ મુકુલ મુદ્ગલ સમિતિએ સ્પોટ ફિક્સિંગમાં સામેલ લોકોના નામ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યા હતા. આ અંગે ઠાકુરે જણાવ્યું હતું કે મારા માટે લોકો નહીં પરંતુ સંસ્થા મોટી છે. હું કોઇ એક કે અન્ય ક્રિકેટર માટે હેરાન નથી પરંતુ મને બીસીસીઆઇની ચિંતા થાય છે. સ્પોટ ફિક્સિંગમાં સામેલ થનારા લોકોના નામ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી તેને જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, બીસીસીઆઇની સામે જે પણ કોઇ મામલાઓ હતા તેને જરૂરથી ખોલવામાં આવ્યા છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ મેચ ફિક્સિંગમાં અથવા અનૈતિક કાર્યમાં સંડોવાયેલો સાબિત થાય તો તેને કડકમાં કડક સજા થવી જોઇએ કારણકે આવી વ્યક્તિઓ રમતને બદનામ કરે છે. આજે પણ એવા કેટલાક ખેલાડીઓ છે કે જેઓ મેચ ફિક્સિંગ જેવા કેસમાં ગુનેગાર સાબિત થયા હોવા છતાં આજે ક્રિકેટના એક્સ્પર્ટ (નિષ્ણાત) તરીકે ઓળખાય છે. જેની વિરુદ્ધમાં સમાચાર પત્રોએ મોટા મોટા આર્ટિકલો છાપ્યા હતા તે ક્રિકેટરો આજે ક્રિકેટના નિષ્ણાત તરીકેની સેવા આપે છે. હકીકતમાં આવી વ્યક્તિઓને કઠોર સજા ફટકારવી જોઇએ. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે અનુરાગ ઠાકુરને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા.