ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019માં ચેન્નઇ સુપર કિંગ્સના સ્પિનરે જોરદાર પ્રદર્શન કર્યુ છે. જો કે તેમની વચ્ચે મીડિયમ પેસર દીપક ચાહર પણ ચુપકીદીથી પોતાનું કામ કરી રહ્યો છે. મંગળવારની મેચમાં તેણે ફરી એકવાર પોતાની ઉપયોગીતા સાબિત કરીને શરૂઆતની વિકેટો ઉપાડી હતી. મુળ રાજસ્થાનના આ યુવા ઝડપી બોલર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આશાને ફળીભૂત કરીને કોલકાતા નાઇટ રાઇડર્સને શરૂઆતમાં ઝાટકા આપ્યા હતા અને તેમાંથી કેકેઆરની ટીમ બહાર આવી શકી નહોતી.
મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં બ્રાવોને હેમસ્ટ્રીંગ ઇન્જરી થયા પછી એ મેચમાં દીપકે અંતિમ ઓવરોમાં બોલિંગ કરવી પડી હતી. આ પહેલા ક્યારેય તેણે ડેથ ઓવરમાં બોલિંગ કરી નહોતી. દીપક હવે ડેથ ઓવરમાં બોલિંગ કરવાની કળા શીખી રહ્યો છે. ચાહર કહે છે કે તેના કારણે મારા પર કોઇ દબાણ નથી, મને જવાબદારી ઉઠાવવાનુંમ પસંદ છે. હું ડેથ ઓવર બોલર તરીકે મારી જાતને સાબિત કરીને એક સંપૂર્ણ બોલર બનવા માગુ છું.