જયપુર : રાજસ્થાન રોયલ્સે આજે અહીં અજિંકેય રહાણેની કેરી થ્રુ બેટિંગ સાથેની નોટઆઉટ સદી અને સ્ટીવ સ્મીથની અર્ધસદીની મદદથી મુકેલા 192 રનના લક્ષ્યાંકને ઋષભ પંતના 36 બોલમાં 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં જ કબજે કરીને 6 વિકેટે વિજય મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી હતી. આઇપીઍલમાં 10 વર્ષના લાંબા ગાળા પછી પહેલીવાર દિલ્હી કેપિટલ્સની ટીમ ટોચના સ્થાને પહોંચી છે. આ પહેલા તે 2009માં ટોચના સ્થાને પહોંચી હતી.
192 રનના લક્ષ્યાંક સામે દિલ્હીને શિખર ધવને પૃથ્વી શો સાથે ઝડપી શરૂઆત અપાવીને 7.3 ઓવરમાં 72 રન બોર્ડ પર મુકી દીધા હતા. તે પછી ધવન અને ઐય્યરની વિકેટ ઝડપથી પડી હતી. અહીંથી પૃથ્વી સાથે પંત જાડાયો હતો અને બંનેઍ 7.3 ઓવરમાં 84 રનની ભાગીદારી કરી રાજસ્થાનને મેચ બહાર કરી દીધું હતું. પંતે 20મી ઓવરના બીજા બોલે છગ્ગો ફટકારીને દિલ્હીને જીતાડ્યું હતુ. તેની આ ઇનિંગને કારણે રહાણેની સદી બેકાર ગઇ હતી.
પંત પાવરને કારણે કેરી થ્રુ બેટિંગ કરીને અજિંકેય રહાણેઍ ફટકારેલી નોટઆઉટ સદી નકામી ગઇ
આ પહેલા શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય કર્યા પછી બીજી જ ઓવરમાં સંજૂ સેમસન રનઆઉટ થતાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. જો કે તે પછી રહાણે અને સ્મીથે મળીને બીજી વિકેટની ભાગીદારીમાં 72 બોલમાં 130 રન જોડી દીધા હતા અને તેના પ્રતાપે રાજસ્થાન રોયલ્સ મોટા સ્કોર ભણી આગળ વધ્યું હતું. રહાણેઍ 32 બોલમાં તો સ્મીથે 31 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. સ્મીથ 50 રન કરીને આઉટ થયો તે પછી રહાણેઍ 58 બોલમાં પોતાની આઇપીઍલની બીજી સદી પુરી કરી હતી, તે 63 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 105 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. સ્ટોક્સ અને ઍશ્ટન ટર્નર ફરી ફેલ ગયા હતા. જ્યારે સ્ટુઅર્ટ બીન્ની 13 બોલમાં 19 રન કરી ગયો હતો.