હૈદરાબાદ : આઇપીઍલની 12મી સિઝનની 30મી મેચમાં રવિવારે દિલ્હી કેપિટલ્સે મુકેલા 156 રનના લક્ષ્યાંક સામે કગિસો રબાડા અને ક્રિસ મોરિસે અંતિમ ઓવરોમાં કરેલી કાતિલ બોલિંગને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ 116 રને સમેટાઇ ગઇ હતી. રબાડાઍ પોતાની અંતિમ 2 ઓવરમાં માત્ર 8 રન આપી 4 વિકેટ ખેરવી હતી, જ્યારે મોરિસે 3 વિકેટ ઉપાડી હતી.
ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની સારી ભાગીદારી છતાં અંતિમ ઓવરોમાં સનરાઇઝર્સે મેચ ગુમાવી
156 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સને જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરે 72 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. જો કે ઍ સ્કોર પર બેયરસ્ટો અને તેના પછી થોડી જ વારમાં કેપ્ટન વિલિયમ્સન આઉટ થયા હતા. તે પછી સ્કોર 101 પર પહોંચ્યો ત્યારે રિકી ભુઇ આઉટ થયો હતો. જા કે તે પછી 17મી ઓવરમાં કગિસો રબાડાઍ સનરાઇઝર્સને ઉપરાછાપરી 2 ઝાટકા આપીને વોર્નર અને વિજય શંકરને આઉટ કર્યા હતા અને તે પછીની ઓવરમાં મોરિસે 3 વિકેટ ઉપાડી હતી, આમ બે ઓવરના ગાળામાં જ હૈદરાબાદની 5 વિકેટ પડી હતી અને તે પછીની ઓવરમાં રબાડાઍ વધુ 2 વિકેટ ઉપાડીને સનરાઇઝર્સની ઇનિંગને 116 રને સમેટી દીધી હતી.
આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને શરૂઆતમાં જ ખલીલ અહેમદે બે ઝાટકા આપીને પૃથ્વી શો અને શિખર ધવનને આઉટ કરતાં તેમની શરૂઆત ખરાબ રહી હતી. તે પછી ટીમમાં સમાવાયેલા કોલિન મુનરોઍ ઍક ઝડપી ઇનિંગ રમીને 24 બોલમાં 40 રન બનાવ્યા હતા. અભિષેક શર્માઍ તેની વિકેટ ઉપાડીને દિલ્હીને ત્રીજો ફટકો માર્યો હતો. તે પછી દિલ્હીની રનરેટ નીચે ઉતરી ગઇ હતી. શ્રેયસ ઐય્યર અને ઋષભ પંતે 50 રનની ભાગીદારી કરી હતી અને બંને ટીમને 12 ઓવરમાં 100 પાર લઇ ગયા હતા. જા કે ઐય્યર અને પંત આઉટ થયાં પછી દિલ્હીની રનગતિ વધુ ધીમી થઇ હતી અને અંતે તેઓ 7 વિકેટે 155 રન બનાવી શક્યા હતા.