નવી દિલ્હી : વિશ્વના શ્રેષ્ઠ બોલર કગિસો રબાડાના અજાડ પ્રદર્શનથી વિજયની હેટ્રિક રચનારી દિલ્હી કેપિટલ્સની ટીમ ગુરુવારે અહીં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ જ્યારે આઇપીઍલમાં પોતાનું વિજય અભિયાન જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે બધાની નજર વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મેળવી શકવાને કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલા ઋષભ પંત પર હશે. પસંદગીકારોઍ પંતના સ્થાને અનુભવી દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કર્યો છે. તેના પછી આ પહેલી મેચ છે, અને આ યુવા વિકેટકીપર બેટ્સમેન છેલ્લા બે દિવસના ઘટનાક્રમને ભુલાવીને સારુ પ્રદર્શન કરીને ફરી ઍકવાર પોતાનો જુસ્સો બુલંદ બનાવવા માગશે.
પંતે મુંબઇ સામેની પ્રથમ મેચમાં 27 બોલમાં 78 રનની તોફાની ઇનિંગ રમી હતી અને ઍ મેચ દિલ્હી 37 રને જીત્યું હતું. મુંબઇના બોલરો સામે પંતની સાથે જ શિખર ધવન, શ્રેયસ ઐય્યર અને પૃથ્વી શોને કાબુમાં રાખવાનો પડકાર છે. તો બેટ્સમેનો માટે રબાડાના તોફાનને પહોંચી વળવાનો પડકાર રહેશે.