નવી દિલ્હી : કિંગ્સ ઇલેવન પંજાબે આજે અહીં ક્રિસ ગેલના 37 બોલમાં 69 રનની મદદથી મુકેલા 164 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐય્યર અને શિખર ધવનની અર્ઘસદીના પ્રતાપે 19.4 ઓવરમાં પાંચ વિકેટે 166 રન કરીને કિંગ્સ ઇલેવન પંજાબને 5 વિકેટે હરાવ્યું હતું.
164 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી નહોતી અને બોર્ડ પર 24 રન હતા ત્યારે પૃથ્વી શોની વિકેટ ગુમાવી હતી, જો કે તે પછી શિખર ધવન અને શ્રેયસ ઐય્યરે મળીને 92 રનની ભાગીદારી કરીને વિજયનો પાયો રચ્યો હતો તે પછી ધવન 116 રનના સ્કોર પર આઉટ થયો અને તે પછી પંત ફરી એકવાર ફેલ ગયો હતો.કોલિન ઇન્ગ્રામ 9 બોલમાં 19 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં દિલ્હીએ 6 રન કરવાના આવ્યા હતા અને શ્રેયસ ઐય્યરે 4 બોલમાં એક ચોગ્ગા સાથે 8 રન કરીને પોતાની ટીમને 5 વિકેટે જીતાડી હતી.
આ પહેલા ટોસ જીતીને શ્રેયસ ઐય્યરે પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી કિંગ્સ ઇલેવન પજાબની શરૂઆત સારી રહી નહોતી અને કેએલ રાહુલ 12 રન કરીને તો મયંક અગ્રવાલ 2 રન કરીને અને ડેવિડ મિલર 7 રન કરીને આઉટ થઇ ગયા હતા. જો કે ક્રિસ ગેલે એક છેડો સંભાળી રાખીને જોરદાર ફટકાબાજી ચાલુ રાખી હતી અને તે 37 બોલમાં 69 રન બનાવી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 13મી ઓવરમાં 106 રન હતો, સેમ કરેન પણ એ જ સ્કોર પર આઉટ થયો હતો અને તે પછી મનદીપ સિંહે 27 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી, જ્યારે અંત સમયે અશ્વિને 14 બોલમાં 16 અને હરપ્રીતે 12 બોલમાં 20 રનની ઇનિંગ રમીને સ્કોરને 7 વિકેટે 163 રન સુધી પહોંચાડ્યો હતો.