બેંગલુરૂ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ની શરૂઆત ખુબ જ ખરાબ રહી છે. મંગળવારે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે મળેલો પરાજય આ સિરિઝમાં તેમનો સતત ચોથો પરાજય રહ્યો હતો. આઇપીએલની તમામ સિઝનને ધ્યાને લેતા હાલની સિઝનમાં તેમનો દેખાવ એ સૌથી ખરાબ શરૂઆત રહી છે.
સતત 4 મેચ હારી જતાં આમ જોવા જઇએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આગળનો સમય મુશ્કેલ બની ગયો છે, પણ જો આઇપીએલની આગલી સિઝનો પર એક નજર નાંખીએ તો એવું લાગશે કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની આ ટીમ હજુ પણ આઇપીએલમાં ચમત્કાર કરીને ચેમ્પિયન બની શકે તેવી સ્થિતિમાં છે. હકીકતમાં મુંબઇ ઇન્ડિયન્સ 2015માં શરૂઆતની ચારેય મેચ ગુમાવ્યા પછી પણ ચેમ્પિયન બન્યુ હતું. જો આ વાતને ધ્યાને લઇએ તો એમ કહી શકાય કે આરસીબી પાસે પણ એવું પ્રદર્શન કરીને ચેમ્પિયન થવાની તક તો છે જ.
વિરાટ કોહલીની આગેવાની હેઠળની આરસીબીએ હવે આ સિઝનમાં વધુ 10 મેચ રમવાની છે, એ સ્થિતિમાં તેમની નજર રોહિત શર્માની આગેવાનીમાં મુંબઇ ઇન્ડિયન્સે કરેલા પરાક્રમને દોહરાવવા પર છે. જો કે હાલના સમયમાં બાકીની ટીમોને ધ્યાને લેતા આરસીબી માટે એવું કરવું એટલું સરળ તો નહીં જ હોય, પણ આરસીબીની ટીમને ધ્યાને લેવામાં આવે તો એવું લાગે છે કે તેમના માટે એવું કરવું મુશ્કેલ પણ નથી.