બેંગલુરૂ : ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 200 છગ્ગા ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. રવિવારે અહી રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ધોનીએ 48 બોલમાં 84 રનની પોતાની ઇનિંગ દરમિયાન આ મુકામ મેળવ્યો હતો. તેણે આ ઇનિંગમાં 7 છગ્ગા ફટકાર્યા હતા.
ધોનીએ આરસીબી સામે રમેલી વિસ્ફોટક ઇનિંગને પગલે તેની ટીમ એક તબક્કે આ મેચ જીતી જાય તેવું લાગતું હતું, જો કે અંતિમ બોલે 2 રન કરવાના આવ્યા તેમાંથી એકપણ રન ન થતાં ચેન્નઇ સુપર કિંગ્સ માત્ર 1 રને આ મેચ હાર્યુ હતું. આ મેચ પહેલા આઇપીએલમાં છગ્ગાની ડબલ સેન્ચુરી પુરી કરવા માટે ધોની માત્ર 4 છગ્ગા દૂર હતો. બેંગ્લોર સામે જ્યારે તે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેની ટીમ28 રન બનાવીને સંક્ટમાં હતી. જો કે તેણે પોતાની ઇનિંગ વડે ચેન્નઇને મેચમાં પાછું આણ્યું હતું અને મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હતી.
આઇપીએલમાં સર્વાધિક છગ્ગાની યાદીમાં ધોની ત્રીજા સ્થાને છે. પહેલા સ્થાને 323 છગ્ગા સાથે ક્રિસ ગેલ છે. તેના પછી 150 મેચમાં 204 છગ્ગા સાથે આરસીબીનો એબી ડિવિલિયર્સ છે. જ્યારે ધોની 184 મેચમાં 203 છગ્ગા સાથે ત્રીજા ક્રમે છે. તેના સિવાય અન્ય ભારતીયોમાં મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા 182 મેચમાં 190 અને સુરેશ રૈના 186 મચમાં 190 છગ્ગા સાથે તો આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી 173 મેચમાં 186 છગ્ગા સાથે આ યાદીમાં સામેલ છે.