પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત સામે હારી તે પછી તેમની પર ઘણાં માછલા ધોવાઇ રહ્યા છે અને ઍવા પણ અહેવાલો આવ્યા છે કે ટીમના કોચિંગ સ્ટાફ તેમજ પસંદગીકાર સહિત ઘણાની હકાલપટ્ટી થઇ જશે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અહેસાન મણીઍ સરફરાઝ અહેમદને ફોન કરીને તેને આશ્વાસન આપીને ભારતીય ટીમ સામે મળેલા પરાજય પછી તેનું અને ટીમનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
અહેસાન મણીઍ ફોન કરીને સરફરાઝને ઍવો વિશ્વાસ આપ્યો હતો કે આખો દેશ તમારી સાથે ખભેખભા મેળવીને ઊભો છે અને તમારે પાછળ જાવાને બદલે બાકી બચેલી ચાર મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ ઉપરાંત મણીઍ સરફરાઝને મીડિયામાં ચાલતી સ્ટોરી પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. મણીઍ ઍવી સલાહ આપી હતી કે શાંત રહો ઍ બાકી બચેલી મેચો પર ધ્યાન આપો. ઍ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમ હાલમાં ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે. હવે પાકિસ્તાને ૨૩ જૂને દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે અને જો તેમાં તે હારી જશે તો સેમી ફાઇનલમાં પહોંચવાનો રસ્તો તેમના માટે બંધ થઇ જશે.