આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઍકમાત્ર ટેસ્ટની શરૂઆત જેટલી નાટ્યાત્મક રહી હતી તેનો અંત તેના કરતાં વધુ નાટ્યાત્મક રહ્યો હતો. પહેલા દાવમાં માત્ર 85 રને ઓલઆઉટ થયેલી ઇંગ્લેન્ડની ટીમે આયરલેન્ડના બીજા દાવને માત્ર 38 રનમાં સમેટી લઇને મેચ 143 રને જીતી લીધી હતી. આયરલેન્ડનો બીજા દાવ માત્ર 15.4 ઓવરમાં જ પુરો થયો હતો. ક્રિસ વોક્સે 7.4 ઓવરમાં 17 રન આપીને 6 વિકેટ જ્યારે સ્ટુઅર્ટ બ્રોડે 8 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી.
ક્રિસ વોક્સે 17માં 6 જ્યારે સ્ટુઅર્ટ બ્રોડે 19માં 4 વિકેટ ઉપાડીને આયરલેન્ડની બેટિંગ લાઇનઅપને ધમરોળી નાંખી
ત્રીજા દિવસની શરૂઆતમાં જ આગલા દિવસના સ્કોરમાં ઍકપણ રનનો ઉમેરો કર્યા વગર યજમાન ટીમની ઍકમાત્ર વિકેટ પડી જતાં ઇંગ્લેન્ડની ટીમે બીજા દાવમાં 303 રન બનાવીને આયરલેન્ડની સામે 182 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. આયરલેન્ડની ટીમ ઍક ઐતિહાસિક જીતના ઇરાદા સાથે મેદાન પર તો ઉતરી પણ તે પછી ઇંગ્લેન્ડના માત્ર બે જ બોલર ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડે વર્લ્ડ ચેમ્પિયનને છાજે ઍવી બોલિંગ કરીને આયરલેન્ડના ઇરાદાનો ભુક્કો બોલાવી દીધો હતો. બંને બોલરોઍ ઍવી ઘાતક બોલિંગ કરી હતી કે આયરલેન્ડની ઇનિંગ માત્ર 15.4 ઓવરમાં 38 રને સમેટાઇ ગઇ હતી. આયરલેન્ડનો માત્ર ઍક બેટ્સમેન બે આંકડે પહોંચ્યો હતો. જ્યારે 3 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ક્રિસ વોક્સે 7.4 ઓવરમાં બે મેડન ઓવર નાંખીને 17 રન આપી 6 વિકેટ ઉપાડી હતી. જ્યારે સ્ટુઅર્ટ બ્રોડે 8 ઓવરમાં 3 મેડન ઓવરની સાથે 19 રન આપીને 4 વિકેટ લીધી હતી.