સેમી ફાઇનલ પ્રવેશ માટે મહત્વની ઍવી મેચમા ઇંગ્લેન્ડે અહીં જાની બેયરસ્ટોની સદી ઉપરાંત જેસન રોય સાથેની તેની શતકીય ભાગીદારી અને કેપ્ટન ઇયોન મોર્ગનની ઝડપી ઇનિંગની મદદથી 8 વિકેટે 305 રન કરીને મુકેલા 306 રનના લક્ષ્યાંકની સામે ન્યુઝીલેન્ડ 186 રનમાં ઓલઆઉટ થઇ જતાં ઇંગ્લેન્ડ 119 રને મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ્યું હતું. આ સાથે 1992 પછી ઇંગ્લેન્ડ પહેલીવાર સેમીમાં પ્રવેશ્યું છે
મેન ઓફ ધ મેચ જોની બેયરસ્ટોએ સદી ફટકારીને જેસન રોય સાથે 123 રનની ભાગીદારી કરી
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમને સતત બીજી મેચમાં બેયરસ્ટો અને રોયે જોરદાર શરૂઆત અપાવી હતી. બંનેઍ મળીને પહેલી વિકેટની ભાગીદારીમાં 123 રન જોડી દીધા હતા. રોય 66 રન કરીને આઉટ થયો હતો. બેયરસ્ટોઍ તે પછી જો રૂટની સાથે 71 રનની ભાગીદારી કરી હતી. રૂટ 24રન કરીને આઉટ થયો હતો. બેયરસ્ટો 99 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા.
અહીથી ન્યુઝીલેન્ડના બોલરોઍ મેચમાં ટીમની વાપસી કરાવીને ટુંકા ગાળામાં બેયરસ્ટો અને જાસ બટલરની વિકેટ ઉપાડી હતી. આ બંને આઉટ થતાં રનગતિ ધીમી થઇ હતી. 40 ઓવર પછી ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 241 રન હતો. સ્ટોક્સ આજે ખુલીને રમી શક્યો નહોતો અને 11 રન કરીને તે આઉટ થયો હતો. ઇયોન મોર્ગને ઍક છેડો સંભાળીને 40 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. આદિલ રાશિદ અને લિયામ પ્લંકેટ મળીને સ્કોરને અંતિમ ઓવરમાં 300 પાર લઇ ગયા હતા. ઇંગ્લેન્ડની ટીમ અંતિમ 10 ઓવરમાં જો કે 64 રન જ ઉમેરી શકી હતી. ન્યુઝીલેન્ડ વતી ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી અને જેમ્સ નીશમે 2-2 વિકેટ લીધી હતી જ્યારે ટીમ સાઉધી અને મિચેલ સેન્ટનરને 1-1 વિકેટ મળી હતી.
306 રનના લક્ષ્યાંકની સામે ન્યુઝીલેન્ડની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને 14 રનમાં તેમણે બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. વિલિયમ્સન અને રોસ ટેલર સ્કોરને 61 સુધી લઇને આવ્યા ત્યારે વિલિયમ્સન 27 રને રનઆઉટ થયો હતો. થોડી જ વારમાં રોસ ટેલર પણ રનઆઉટ થયો હતો. તે પછી નિશમ અને લાથમે મળીને 54 રનની ભાગીદારી કરી હતી. નિશમ આઉટ થયો તે પછી લાથમે પોતાની રીતે પ્રયાસ ચાલુ રાખ્યા હતા. જો કે અંતે તે 57 રન કરીને આઉટ થયો હતો. તે પછી 22 રનના ઉમેરામાં બાકીની 3 વિકેટ પણ પડી જતાં ન્યુઝીલેન્ડ 186માં ઓલઆઉટ થયું હતું અને પરિણામે ઇંગ્લેન્ડનો 119 રને વિજય થયો હતો.