વર્લ્ડ કપની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવ લઇને જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન અને બેન સ્ટોક્સની અર્ધસદીની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં 8 વિકેટના ભોગે 311 રન બનાવ્યા હતા. ૩૧૨ રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકા 207 રને ઓલઆઉટ થતાં ઇંગ્લેન્ડે પ્રથમ મેચમાં 104 રને વિજય મેળવીને વર્લ્ડકપમાં શુભ શરૂઆત કરી હતી.
312 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી અને ચોથી ઓવરમાં અમલા રિટાયર્ડ હર્ટ થયો હતો. તે પછી બોર્ડ પર 36 રન હતા ત્યારે ઍડન માર્કરમ માત્ર 11 રન કરીને આઉટ થયો હતો અને સ્કોર 44 પર પહોંચ્યો ત્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આઉટ થઇ ગયો હતો. ક્વિન્ટોન ડિકોકે ત્રીજી વિકેટની ભાગીદારીમાં રસી વેન ડર ડુસેન સાથે મળીને 85 રન જોડ્યા હતા. જા કે ડિ કોક 68 રન કરીને આઉટ થયો તેની સાથે દક્ષિણ આફ્રિકાની ઇનિંગ લથડી પડી હતી. ડુસેને 50 રનની ઇનિંગ રમી પણ તેને અન્ય બેટ્સમેનોનો સાથ મળી શકયો નહોતો. અમલા ફરી રમવા આવ્યો પણ તે કંઇ કરી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ વતી જોફ્રા આર્ચરે 3 જ્યારે બેન સ્ટોક્સ અને લિયામ પ્લંકેટે 2-2 વિકેટ ઉપાડી હતી.
બેયરસ્ટો ફેલ ગયા પછી જેસન રોય અને જા રૂટે અર્ધસદી ફટકારવા સાથે શતકીય ભાગીદારીથી ઇંગ્લેન્ડને ઉગાર્યુ
આ પહેલા દક્ષિણ આફ્રિકન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલા ઇંગ્લેન્ડે મેચની પહેલી ઓવરના બીજા બોલે જ જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવતા તેમની શરૂઆત ખરાબ રહી હતી. જા કે તે પછી જેસન રોય અને જો રૂટે અર્ધસદી ફટકારવાની સાથે 106 રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડની સ્થિતિ સુધારી હતી. તે પછી જેસન રોય 54 રન કરીને તો રૂટ 51 રન કરીને આઉટ થયા ત્યારે સ્કોર 111 હતો. અહીંથી કેપ્ટન ઇયોન મોર્ગન અને બેન સ્ટોક્સે ચોથી વિકેટની ભાગીદારીમાં 106 રન ઉમેરીને ટીમને મોટા સ્કોર ભણી ધપાવી હતી. તે પછી ઇંગ્લેન્ડે ટુંકા ગાળામાં ઍક પછી ઍક 3 વિકેટ ગુમાવી હતી. બેન સ્ટોક્સ 79 બોલમાં 89 રનની ઇનિંગ રમીને 49મી ઓવરમાં આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 300 રન હતો. તે પછી અંતિમ ઓવરમાં 11 રન થતાં ઇંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટે 311 થયો હતો. દક્ષિણ આફ્રિકા વતી લુંગી ઍન્ગીડીઍ 3 જ્યારે કગિસો રબાડા અને ઇમરાન તાહિરે 2-2 અને ઍન્ડીલ ફેલુકવાયોઍ 1 વિકેટ ઉપાડી હતી.