ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે આઇ.પી.એલ પર રમાતા સટ્ટામાં વડોદરામાં ઝડપાયા છે. વડોદરાના વૈભવી વિસ્તાર અલકાપુરીમાં કાફેની આડમાં ચાલી રહેલા સટ્ટાના જુગાર પર પોલીસે ગઇકાલે મોડી રાત્રે દરોડો પાડતાં કુલ ૧૯ ખાનદાની નબીરાઓ પકડાઇ ગયા છે. દીલ્હી કેપીટલ તથા કીંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીએલની ચાલી રહેલા ક્રિકેટ મેચ પર મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરીને આ ટોળકી દ્વારા કાફેમાં બેસીને સટ્ટો રમાતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસરા વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ શગુન એક્ઝોટીકા ખાતે આવેલ કેફે સ્ટોક એક્સચેંન્જ નામની કાફે શોપમાં મોટા સ્ક્રીન પર આઇપીએલની મેચ બતાડીને સટ્ટો રમાડવામાં આવતો હોવાની વિગતો મળી આવી હતી. જેના આધારે પોલીસે ગઇકાલે રાત્રે દીલ્હી કેપીટલ તથા કીંગ્સ ઇલેવન પંજાબ ક્રિકેટ ટીમોની મેચ ચાલતી હતી તે વેળાએજ પોલીસે દરોડો પાડતાં શોપની બાજુમાં આવેલા શેડમાં કાફેના માલીકો દ્વારા પ્રોજેક્ટર દ્વારા મેચનું જીવત પ્રચારણ બતાવડવામાં આવતુ હતુ. આ મેચ જોઇ રહેલાઓ પૈકીના ૧૯ વ્યક્તિઓ તેમના મોબાઇલ પર ક્રીકેટ ફાસ્ટ લાઇવ લાઇન, ક્રીકેટ લાઇન ગુરુ, ક્રીક લાઇન નામની એપ્લીકેશનનો ઉપયોગ કરીને ક્રીકેટનો સટ્ટો રમી રહ્યા હોવાનું જણાયુ હતુ. જેના પગલે પોલીસે આ તમામની અટકાયત કરીને તેમના મોબાઇલ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અટકાયત કરાયેલાઓમાં કાફેના માલીક હેમાંગ પટેલ નિશ્ચિય મીથા તથા તુષાર અરોઠેનો સમાવેશ થાય છે. જ્યારે મોટી સ્ક્રીન ઉપર લાઇવ મેચ દેખાડીને કુશ દેસાઇ સટ્ટાનું સંચાલન કરતો હતો. જ્યારે આ સટ્ટામાં હારજીતની લેવડ દેવડ કરી રહેલા બાબા નામના વ્યક્તિ સ્થળ પર હાજર નહી હોવાથી તેને વોન્ટેડ બતાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તુષાર અરોઠે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ હતા. આ ઉપરાંત વડોદરા ક્રિકેટ ટીમમાંથી પણ તેઓ રણજી ટ્રોફી ઉપરાંત અન્ય મેચ રમી ચૂક્યા હતા. તેઓ એક સારા ક્રિકેટર તરીકેની પ્રતિભા ધરાવતા હતા. હાલમાં તેમનો દિકરો પણ વડોદરાની ટીમમાંથી રમી રહ્યો છે.
વડોદરાના ખાનદાની નબીરાઓ પાસેથી ૨૧ નંગ મોબાઇલ, ૪૫૯૧૦ રોકડા, ૧૨.૮૫ લાખની કીંમતના નવ વાહનો સહિત ૧૪.૩૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ. કે. જે ધડુક તથા તેમની ટીમે ઝડપાયેલા તમામની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.