બેંગલુરૂ : આઇપીએલમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હજુ સુધી પરાજય સિવાય કંઇ હાથ લાગ્યું નથી. કોહલીની ટીમે અત્યાર સુધી છ મેચ રમી છે અને તેમાં તેનો પરાજય થયો છે. રવિવારે તેનો દિલ્હી કેપિટલ્સ સામે 4 વિકેટે પરાજય થયો છે. ટીમની આટલી ખરાબ સ્થિતિને પગલે ટીમ ઇન્ડિયાના માજી ઓપનર અને કોલકાતા નાઇટ રાઇડર્સના માજી સુકાની એવા ગૌતમ ગંભીરે આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપ સામે જ સવાલો ઊભા કર્યા છે.
ગંભીરે કહ્યું હતું કે કોહલી કેપ્ટન તરીકે હજુ શિખાઉ છે. તેણે ટીમના પરાજયની જવાબદારી લેવી પડશે. ગંભીરે કહ્યું હતું કે એક બેટ્સમેન તરીકે વિરાટ ભલે શ્રેષ્ઠ હશે પણ કેપ્ટન તરીકે તે શિખાઉ છે. તેણે કહ્યું હતું કે વિરાટે હજુ ઘણું શીખવાનું છે. બોલરો પર જવાબદારી નાંખવાને બદલે તેણે જાતે જવાબદારી લેવી પડશે. ગંભીરે એવું પણ કહ્યું હતું કે તેમણે માર્કસ સ્ટોઇનીસ અને નાથન કુલ્ટર નાઇલને કેમ હરાજીમાં લીધા જ્યારે તેઓ જાણતા જ હતા કે તેઓ ટુર્નામેન્ટની શરૂઆતમાં ઉપલબ્ધ રહેવાના નથી.