ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીએ હિતોના ટકરાવ મામલે રાહુલ દ્રવિડને નોટિસ મોકલવા મામલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) સામે નારાજગી દર્શાવી છે. આ બાબતે પોતાની નિરાશા અને નારાજગી વ્યક્ત કરતાં ગાંગુલીએ ટિ્વટર પર લખ્યું હતું કે ભારતીય ક્રિકેટમાં એક નવી ફેશન, હિતોનો ટકરાવ, સમાચારોમાં જળવાઇ રહેવા માટે સૌથી સારી રીત. ભગવાન ભારતીય ક્રિકેટની વહારે આવે.
બીસીસીઆઇના એથિક્સ ઓફિસર દ્વારા રાહુલ દ્રવિડને હિતોના ટકરાવ મામલે નોટિસ મોકલવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા જે રીતે દિગ્ગજ ક્રિકેટરો સાથે વર્તણૂંક થઇ રહી છે, તેનાથી ઓફ સ્પિનર હરભજન સિંહ પણ ખુશ નથી. હરભજને પણ આ બાબતે ટિ્વટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. હરભજને લખ્યું હતું કે સાચે જ સમજાતું નથી કે આ બધું કઇ દિશામાં જઇ રહ્યું છે. આ મહાન ખેલાડીઓને નોટિસ મોકલવી એ તેમનું અપમાન કરવા જેવું છે.
એ ઉલ્લેખનીય છે કે નેશનલ ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ બનેલા રાહુલ દ્રવિડને એથિક્સ ઓફિસર ડી કે જૈન દ્વારા મંગળવારે નોટિસ મોકલીને હિતોના ટકરાવ મામલે તેની પાસે સ્પષ્ટતા માગી છે. જૈને આ નોટિસ મધ્યપ્રદેશ ક્રિકેટ એસોના સભ્ય સંજીવ ગુપ્તાએ કરેલી ફરિયાદને પગલે મોકલાવી છે અને બે અઠવાડિયામાં તેની પાસે જવાબ માગવામાં આવ્યો છે.