નવી દિલ્હી : બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી)ના અધ્યક્ષ અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલીએ બીસીસીઆઇના લોકપાલ ડીકે જૈનને હિતોના ટકરાવ અંગે જવાબ મોકલીને એવી સ્પષ્ટતા કરી છે કે મારી બેવડી ભૂમિકાને પગલે 3 ક્રિકેટપ્રેમી દ્વારા જે આરોપ મુકાયો છે તે હિતોના ટકરાવની કોઇ વાત નથી. બીસીસીઆઇ લોકપાલ જૈને ગાંગુલીને હિતોના ટકરાવ મુદ્દે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. ગાંગુલીએ કહ્યું હતું કે મેં જસ્ટિસ જૈનને મારો જવાબ 6 એપ્રિલે મોકલાવી દીધો છે. પત્રમાં કહેવાયું છે કે દિલ્હી કેપિટલ્સની સાથેની મારી ભૂમિકાને કારણે બીસીસીઆઇના બંધારણના સર્કલમાં કોઇ હિતોનો ટકરાવ અથવા વ્યવસાયિક ટકરાવ થતો નથી.તેણે કહ્યું હતું કે તે કોઇ એવી સમિતિનો સભ્ય નથી જે હાલની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું સંગઠન જોઇ રહી હોય
માજી ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું હતું કે હું એવા કોઇ પદ પર નથી. હું ન તો બીસીસીઆઇની ટોચની કાઉન્સીલમાં છુ કે ન તો બીસીસીઆઇ દ્વારા તેના બંધારણ હેઠળ રચાયેલી કોઇ ક્રિકેટ કમિટીનો સભ્ય છું. તેણે કહ્યું હતું કે હું કોઇ કમિટીનો સભ્ય હોવાને નાતે અથવા આઇપીએલના સંબંધમાં બીસીસીઆઇ દ્વારા રચાયેલા કોઇ સંગઠનાત્મક એકમનો સભ્ય હોવાને નાતે આઇપીએલ મેનેજમેન્ટ, વહીવટ કે સંચાલન સાથે હું જોડાયેલો નથી.તેણે જણાવ્યું હતું કે હું બીસીસીઆઇમાં ટેક્નીકલ કમિટી,. આઇપીએલ ટેક્નીકલ કમિટી અને આઇપીએલ સંચાલન કાઉન્સીલમાં પહેલા હિસ્સો હતો, મે એ તમામ સ્થાનેથી રાજીનામુ આપી દીધું છે. તેણે એવું પણ કહ્યું હતું કે આઇપીએલની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે પણ હું કોઇ રૂપે જોડાયેલો નથી.