ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં જોરદાર પ્રદર્શન કરનારી ચેન્નઇ સુપર કિંગ્સે પોતાની ચોથી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે પરાજય વેઠવો પડ્યો હતો અને આ પરાજય પછી તેને વધુ એક ફટકો પડ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ પહેલા તેનો એક ઓલરાઉન્ડર ઇજાને કારણે બે અઠવાડિયા માટે આઇપીએલમાંથી આઉટ થઇ ગયો છે.
ચેન્નઇ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોના સ્નાયુ ખેંચાઇ ગયા છે અને તેના કારણેં તે બે અઠવાડિયા સુધી આઇપીએલમાં રમી શકશે નહીં. ટીમના્ બેટિંગ કોચ માઇક હસીએ શુક્રવારે રાત્રે આ માહિતી આપી હતી. ચેન્નઇ સુપર કિંગ્સે શનિવારે રાત્રે કિંગ્સ ઇલેવન પંજાબ સામે પોતાના ઘરઆંગણે મેચ રમવાની છે.
વેસ્ટઇન્ડિઝનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ચેન્નઇ સુપર કિંગ્સ માટે મહત્વનો ખેલાડી છે. બ્રાવોને બુધવારે મુંબઇ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં ઇજા થઇ હતી. તે પછી તેને હેમસ્ટ્રિંગ ઇન્જરી થઇ છે. હસીએ કહ્યું હતું કે હાં હું એ વાતની પુષ્ટિ કરું છું કે તેના સ્નાયુ ખેંચાઇ ગયા છે અને તે બે અઠવાડિયા સુધી બહાર રહેશે, આ એક મોટુ નુકસાન છે. તેની હાજરીમાં ટીમ ઘણી સંતુલિત રહે છે અને તે શ્રેષ્ઠ ખેલાડી છે. તેથી ટીમમાં થોડા ફેરફાર કરવા પડશે, પણ મને એવો વિશ્વાસ છે કે તે છતાં પણ અમે મજબૂત ટીમ ઉતારવામાં સફળ થઇશું.