નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના લોકપાલ દ્વારા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને એક ટીવી શોમાં મહિલાઓ બાબતે વાંધાજનક ટીપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીસીસીઆઇ લોકપાલના જણાવ્યા અનુસાર આ બંને ખેલાડી 1-1 લાખ રૂપિયા 10 શહીદ પેરા મિલિટરી ફોર્સના કોન્સ્ટેબલના પરિવારજનોને આપશે. સાથે જ એટલી જ રકમ બ્લાઇન્ડ ક્રિકેટ માટે આપશે, આ રકમ તેમણે 4 અઠવાડિયાની અંદર જમા કરાવી દેવી પડશે. બીસીસીઆઇ લોકપાલે એવું પણ કહ્યું છે કે જો હાર્દિક અને રાહુલ દ્વારા આ રકમ નિર્ધારિત સમય પહેલા જમા કરાવવામાં ન આવે તો બીસીસીઆઇ એ રકમ તેમની મેચ ફીમાંથી કાપી શકે છે.
એ ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈને કોફી વીથ કરણ કાર્યક્રમમાં વિવાદી નિવેદન કરવાના કેસમાં રાહુલ અને હાર્દિકને ગત અઠવાડિયે નોટિસ મોકલાવીને સુનાવણી માટે હાજર રહેવા જણાવ્યું હતું. જૈને માજી સીએજી વિનોદ રાયની આગેવાની હેઠળની સીઓએને આ કેસનો રિપોર્ટ સોંપ્યો હતો. કોફી વિથ કરણનો એ વિવાદી એપિસોડ જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં પ્રસારિત થયો તે પછી ઘણો વિવાદ થયો હતો અને સોશિયલ મીડિયા પર બંને ક્રિકેટરોની આકરી ટીકા કરવામાં આવી હતી. તે પછી વિવાદ વધતા એ બંનેને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ વિવાદને કારણે બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પરત રવાના કરી દેવાયા હતા.