મુંબઇ : ઇંગ્લેન્ડની યજમાનીમાં રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી 15 એપ્રિલે થવાની છે. એવું માનવામાં આવે છે કે ટીમના 15 સંભવિતોમાંથી મોટાભાગના સ્થાન નક્કી થઇ ગયા છે, જો કે આ મોટી જાહેરાત પહેલા 2 મુખ્ય ખેલાડીઓનો કેસ અટકી પડ્યો છે. કરણ જોહરના શો કોફી વિથ કરણમાં વિવાદી ટીપ્પણી કરીને ફસાયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન લોકેશ રાહુલના આ વિવાદી કેસની સુનાવણી આજથી મતલબ કે મંગળવારથી શરૂ થઇ રહી છે. બંને ખેલાડીને નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈન દ્વારા મોકલાયેલી નોટિસ સંદર્ભે હાર્દિક પંડ્યા મંગળવારે જ્યારે લોકેશ રાહુલે તેના બીજા દિવસે બુધવારે તેમની સામે હાજર થવાનું છે.
ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા બીસીસીઆઇ લોકપાલ જૈન માટે આ પહેલો કેસ છે જેના પર તેઓ પદગ્રહણ કર્યા પછી પહેલીવાર સુનાવણી કરશે. વર્લ્ડ કપ 30 મેથી શરૂ થઇ રહ્યો છે. એ ઉલ્લેખનીય છેં કે આ વિવાદમાં બંને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અધવચ્ચેથી છોડીને ઘરભેગા થવાની નોબત આવી હતી. તે પછી તેમના સસ્પેન્શનને હટાવવા માટે બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્નાએ દરમિયાનગીરી કરવી પડી હતી અને તે પછી જ્યાં સુધી તપાસ પડતર રહે ત્યાં સુધી તેમના પરનું સસ્પેન્શન મુલતવી રખાયું હતું.
જસ્ટિસ જૈને પહેલા એવું કહ્યું હતું કે બીસીસીઆઇએ આ મામલે અંતિમ નિર્ણય લેવા માટે કોઇ સમયમર્યાદા નથી આપી. જો કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય પસંદગીકારો વર્લ્ડ કપ 2019ને ધ્યાને લઇને આ મામલે નિર્ણય થાય તેવું ઇચ્છશે. જસ્ટિસ જૈને એવું પણ કહ્યું હતું કે ન્યાયનો એ સિદ્ધાંત છે કે તમારે દરેક પક્ષને સાંભળવાના હોય છે.