ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગુરૂવારે અહીં રમાનારી મેચ પર વરસાદી વાદળોનું જોખમ તોળાયું છે. હાલ અહીં વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર અહીં ગુરૂવારની બપોર સુધી વરસાદ પડવાની સંભાવના છે. જો ઍ આગાહી સાચી ઠરશે તો ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઓછી ઓવરો વાળી મેચ રમાડવામાં આવે તેવી સંભાવના છે.
ઇંગ્લેન્ડના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને સ્થાનિક હવામાન વિભાગે આ બાબતે ચેતવણી પણ બહાર પાડી છે. આ અઠવાડિયે નોટિંઘમમાં મોટાભાગનો સમય વરસાદ પડતો રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. નોટિંઘમના સ્થાનિક હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવારે સાંજે 7 વાગ્યા સુધી અહીં ભારે વરસાદ પડતો રહશે. છેલ્લા 2 દિવસથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. આજે બંને ટીમો અહીં પ્રેકિટસ કરવાની હતી પણ સતત વરસાદ પડી રહ્યો હોવાના કારણે તેમની પ્રેકિટસ રદ થઇ હતી.