વિશાખાપટ્ટનમ : દિલ્હી કેપિટલ્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એલિમિનેટરમાં 2 વિકેટે જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઋષભ પંતે કહ્યું હતું કે જ્યારે તે ઝડપી બેટિંગ કરવા માટે રિધમમાં આવી જાય છે ત્યારે તેને કોઇ ફરક પડતો નથી કે સામે કોણ બોલિંગ કરી રહ્યું છે. પંતે આ મેચમાં 21 બોલમાં 49 રનની ઇનિંગ દરમિયાન 5 છગ્ગા ફટકાર્યા હતા.
મેન ઓફ ધ મેચ રહેલા પંતે કહ્યું હતું કે ટી-20માં તમારે 20 બોલમાં 40 કે તેનાથી વધુ રન કરવાની જરૂર હોય છે.ત્યારે તમારે કોઇ એક બોલરને ટાર્ગેટ કરવાનો હોય છે. હું એ નથી જોતો કે બોલિંગ કોણ કરે છે. એ મારી આદતમાં સામેલ છે. અને તેથી અમે તેના પર આટલી પ્રેકિટસ કરીએ છીએ. આજે આ એટલા માટે ખાસ રહ્યું કે મે બોલને વધુ જોરથી હિટ કરવાનો પ્રયાસ નહોતો કર્યો. હું માત્ર બોલને જોતો હતો અને તેની સાથે યોગ્ય ટાઇમીંગથી હિટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પંતે કહ્યું હતું કે જો તમે આવી વિકેટ પર જામી જાઓ તો તમારે તમારી ટીમ માટે મેચ પુરી કરવી જોઇએ. હું તેમને નજીક લઇ ગયો અને આઉટ થયો પણ હવે પછી ટીમ માટે હું ફિનીશ કરીશ. હું થોડો હકારાત્મક થવાનો પ્રયાસ કરીશ. જો તમે નકારાત્મક બનો છો તો એ મદદ નથી કરતું.