ભારતીય ટીમના ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. શંકર ઘાયલ થયા પછી ભારતીય ટીમ મેનેજમેન્ટે મયંક અગ્રવાલનો સમાવેશ કરવા માટે આઇસીસીને વિનંતી કરી હતી અને તે વિનંતી સ્વીકારી લેવાતા મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરાયો છે. વિજય શંકરને નેટ્સમાં જસપ્રીત બુમરાહનો બોલ પગના અંગુઠામાં વાગ્યો હતો. શરૂઆતમાં આ ઇજા ગંભીર લાગતી નહોતી પણ હવે તે ગંભીર હોવાનું જાહેર થયું છે. તેને સ્થાને અત્યાર સુધી ઍક પણ વનડે રન રનારા મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યો છે.
ઘાયલ હોવાને કારણે શંકર ઇંગ્લેન્ડ સામે રવિવારે રમી શક્યો નહોતો અને તેના સ્થાને મેચમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો સમાવેશ કરાયો હતો. શંકર હાલની ટુર્નામેન્ટમાંથી આઉટ થનારો બીજો ભારતીય ખેલાડી છે. તેના પહેલા શિખર ધવન હાથના અંગુઠાની ઇજાને કારણે ટીમમાંથી આઉટ થઇ ચુક્યો છે.
બીસીસીઆઇના મીડિયા વિભાગે જણાવ્યું હતું કે વિજય શંકરના ડાબા પગના અંગુઠામાં ફ્રેક્ચર હોવાનું જણાયું હતુ અને તે સારું થવામાં અોછામાં અોછો બે થી ત્રણ અઠવાડિયાનો સમય લાગશે. ભારતીય ટીમ મેનજેમેન્ટે તેના સ્થાને મયંકના સમાવેશ અંગે મંજૂરી આપવા આઇસીસીને વિનંતી કરી હતી. જેને આઇસીસીની ટુર્નામેન્ટ ટેક્નીકલ કમિટીની મંજૂરી મળી ગઇ છે અને તે હવે ટૂંકમાં જ બર્મિંઘમમાં ટીમ સાથે જાડાઇ શકે છે. આઇસીસીઍ પોતાની વેબસાઇટ પર મયંકના સમાવેશને મંજૂરી આપી દેવાઇ હોવાનું જણાવ્યું હતું.