સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમ્રપાલી ગ્રુપના સીઍમડી અનિલ કુમાર શર્માઍ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના અધ્યક્ષ શશાંક મનોહરના ખાતામાં જે 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે ફંડ ખોટા ઉપયોગની કેટેગરીમાં આવે છે. આ પૈસા ઍ લોકોના હતા જેમણે આમ્રપાલી ગ્રુપને ઘર ખરીદવા માટે આપ્યા હતા. મનોહરનું નામ ઍ યાદીમાં આવે છે જેમને શર્માઍ 8.71કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે.
આ બાબતે આઇસીસીના અધ્યક્ષ અને વ્યવસાયે વકીલ ઍવા શશાંક મનોહરે પોતાની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ચાર વર્ષ પહેલા હું પટના હાઇકોર્ટમાં આમ્રપાલી ગ્રુપ વતી કેસ લડવા માટે ગયો હતો. તે સિવાય મારે તેની સાથે કોઇ સંબંધ નથી. મનોહરના ખાતામાં પૈસા શર્માની દેખરેખમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મનોહરનું નામ જો કે આદેશમાં બે વાર આવ્યું છે. કોર્ટે ઇડીને આદેશ આપ્યો છે કે તે કંપની તેના સીઈઓ અને મેનેજીંગ ડિરેક્ટર અનિલ શર્મા તેમજ ડિરેક્ટર શિવ પ્રિયા, અજય કુમાર પર ફેમાના ઉલ્લંઘન બાબતે હવાલાનો કેસ દાખલ કરે.