દુબઇ : પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ પુરી થયા પછી આઇસીસી દ્વારા જારી કરાયેલા વનડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઍરોન ફિન્ચે 12 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. ટીમ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાને 5 પોઇન્ટનો ફાયદો જ્યારે પાકિસ્તાનને 5 પોઇન્ટનું નુકસાન થયું છે પણ ટીમ રેન્કિંગમાં કોઇ ફરક પડ્યો નથી. બેટિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પહેલા બે ક્રમે જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહ પહેલા ક્રમે યથાવત છે.
પાકિસ્તાનનો બાબર આઝમ 2 ક્રમના નુકસાન સાથે 7માં તો ફખર ઝમાન 3 ક્રમના નુકસાન સાથે ટોપ ટેનની બહાર 11માં ક્રમે પહોંચી ગયો છે. ટોપ ટેન બહાર ઉસ્માન ખ્વાજા 6 ક્રમના ફાયદા સાથે 19માં, ગ્લેન મેક્સવેલ 10 ક્રમના ફાયદા સાથે 23માં સ્થાને છે. પાકિસ્તાન વતી બે સદી ફટકારનાર હેરિસ સોહેલ 33 ક્રમની છલાંગ લગાવી 58માં સ્થાને જ્યારે મહંમદ રિઝવાન 101માં ક્રમે છે. બોલિંગ રેન્કિંગમાં પેટ કમિન્સ ઍક ક્રમ ઉપર ચઢીને છઠ્ઠા ક્રમે પહોંચતાં કુલદીપ યાદવ ઍક ક્રમ નીચે 7મા ક્રમે પહોંચી ગયો છે.