દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ઍ બુધવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં ઇન્ટરપોલ સાથે મળીને કામ કરવા ઇચ્છુક છે. આઇસીસીની ઍન્ટી કરપ્શન યુનિટના વડા ઍલેક્સ માર્શલે ફ્રાન્સના લિયોન સ્થિત ઇન્ટરપોલ હેડક્વાર્ટરની મુલાકાત દરમિયાન આ મુદ્દે વાત કરી હતી.
માર્શલે ઍક નિવેદનમાં કહ્યું હતું કે આઇસીસી ઇન્ટરપોલની સાથે મળીને કામ કરવા ઇચ્છે છે અને ગત અઠવાડિયે લિયોનમાં બેઠક ઘણી સાર્થક રહી હતી. આઇસીસીના ઘણાં દેશોમાં લો ઍન્ફોર્સમેન્ટ ઍજન્સી સાથે સારા સંબંધ છે, પણ ઇન્ટરપોલ સાથે મળીને કામ કરવાનો મતલબ ઍમ છે કે અમે તેના ૧૯૪ સભ્યોના સંપર્કમાં રહીશું. તેમણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ ભ્રષ્ટાચારમાં ખુંપેલા લોકો બાબતે ખેલાડીઅોને જાગ્રુત કરવાનો છે અને ઇન્ટરપોલનું વ્યાપક નેટવર્ક તેમાં મદદરૂપ સાબિત થશે. ઇન્ટરપોલના ક્રિમીનલ નેટવર્ક યુનિટના આસિસ્ટન્ટ ડિરેક્ટર જાસ ડિ ગ્રાસિયાઍ કહ્યું હતું કે આઇસીસીની મદદ કરવી ઍ આંનદનો વિષય છે.