ભારતમાં રમાનારી ટુર્નામેન્ટમાં ટેક્સ રિબેટના મુદ્દે ચાલી રહેલા વિવાદના કારણે આઇસીસીએ વાર્ષિક રેવેન્યુમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના હિસ્સામાં કપાતની ધમકી ઉચ્ચારી છે, તે પછી બીસીસીઆઇ હવે આ મામલે ઇંગ્લેન્ડની એક લો ફર્મની સેવા લે તેવી સંભાવના છે. શશાંક મનોહરની આગેવાની હેઠળની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) ભારતમાં યોજાતી ટુર્નામેન્ટમાં ટેક્સ રિબેટ ઇચ્છે છે અને તે 2016માં ભારતમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ માટેની ટેક્સ છૂટની હજુ રાહ જોઇ રહી છે.
વહીવટદારોની કમિટી (સીઓએ)ની 6 જુલાઇએ મળેલી બેઠકના નવા દસ્તાવેજો અનુસાર આઇસીસી 2016ના ટી-20 વર્લ્ડ કપના ટેક્સ ભારણને તેની વાર્ષિક રેવેન્યુમાંથી બીસીસીઆઇના હિસ્સામાં કપાત કરીને ઓછો કરવા માગે છે. બીસીસીઆઇની કાનૂની ટીમે સીઓએને જણાવ્યું હતું કે બોર્ડે આઇસીસીને ટેક્સ રિબેટ માટે તમામ પ્રયાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પહેલા આ પ્રકારની ટુર્નામેન્ટ માટે ટેક્સ છૂટ મળતી આવી હતી. બીસીસીઆઇની વેબસાઇટ પર મુકાયેલા બેઠકના વિવરણમાં કહેવાયું છે કે આઇસીસી બીસીસીઆઇની વાર્ષિક રેવેન્યુના હિસ્સામાં કાપ મુકીને તેની ભરપાઇ કરવા માગે છે. તેમાં કહેવાયું છે કે 2016ના વર્લ્ડકપ સંદર્ભે ટેક્સ અધિકારીઓએ નિર્દેશ આપ્યો હતો કે મીડિયા રાઇટ્સ કરાર હેઠળ આઇસીસી પ્રસારક દ્વારા આઇસીસીને અપાનારી રકમના 10 ટકા અટકાવી દેવામાં આવે. સીઓએ દ્વારા બીસીસીઆઇની કાનૂની ટીમને ઇંગ્લેન્ડની લો ફર્મની સેવા લેવા માટે જણાવ્યું છે. કારણકે બીસીસીઆઇ અને આઇસીસી વચ્ચે ટી-20 વર્લ્ડકપની યજમાની સંબંધે થયેલા કરાર ઇંગ્લેન્ડના કાયદા હેઠળ થયા હતા.