વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમનો પરાજય થયો તેની સાથે જ માજી કેપ્ટન અને ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ઇન્ટરનેશનલ કેરિયરનો પણ અંત આવી ગયો હોવાનું નક્કી મનાઇ રહ્યું છે. પસંદગીકારોએ એ વાતનો આકરો સંદેશ આપી દીધો છે કે જો ટીમ ઇન્ડિયાને 2011માં ચેમ્પિયન બનાવનાર ધોની નિવૃત્તિ નહીં લે તો કદાચ જ તે હવે ટીમ ઇન્ડિયા માટે રમી શકશે. આ બાબતે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ ટૂંકમાં જ ધોની સાથે વાત કરશે.
વિશ્વસનીય સૂત્રો એવું કહે છે કે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ ટૂંકમાં જ ધોની સાથે વાત કરશે., પણ એવું ત્યારે જ થશે જ્યારે ધોની પહેલાથી પોતાના નિર્ણય અગે પ્રસાદને માહિતગાર ન કરે તો.સૂત્રો એવું કહે છે કે મને નથી લાગતું કે ધોની પસંદગીકારોની ટી-20 વર્લ્ડકપ 2020ની યોજનાનો કોઇ હિસ્સો હોય. તેણે હવે જાતે જ સન્માનપૂર્વક ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દેવી જોઇએ. તે હવે પહેલા જેવી એ રિધમ પાછી મેળવી શકે તેમ નથી.
બીસીસીઆઇના સૂત્રો કહે છે કે ઋષભ પંત જેવા યુવા ક્રિકેટર પોતાનો વારો આવવાની રાહ જોઇ રહ્યા છે. ધોની હવે પહેલા જેવો ફિનીશર નથી રહ્યો એવું કહીને તેઓ ઉમેરે છે કે તેને છઠ્ઠા કે સાતમાં ક્રમે બેટિંગમાં ઉતારવામાં આવે ત્યાં પણ તે સંઘર્ષ કરતો જણાય છે. તેમના મતે ધોની ટીમને નુકસાન પહોંચાડી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડકપ પછી નિવૃત્તિ અંગે ધોનીએ પસંદગીકારો સાથે કોઇ વાત નથી કરી. બીસીસીઆઇના એક સૂત્રએ કહ્યું હતું કે વર્લ્ડકપમાં ધોનીનું ધ્યાનભંગ થાય તેવું અમે ઇચ્છતા નહોતા. પણ હવે સમય બદલાયો છે. એવું કંઇ નથી કે જે તેણે ન મેળવ્યું હોય અને તેણે હવે કંઇ સાબિત કરવાની પણ જરૂર રહી નથી.