બાંગ્લાદેશ સામેની આજે અહીં રમાયેલી મેચમાં પાકિસ્તાની ઓપનર ઇમામ ઉલ હકે સદી ફટકારીને વર્લ્ડકપમાં સદી ફટકારનારો સૌથી યુવા વયનો પાકિસ્તાની ખેલાડી બન્યો હતો. ઇમામે 23 વર્ષ અને 205 દિવસની વયે સદી ફટકારીને સલીમ મલિકનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે 24 વર્ષની વયે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી. હવે તેનું નામ લોર્ડસ ઓનર્સ બોર્ડ પર લખાશે જ્યાં તેના કાકા ઇન્ઝમામ ઉલ હકનું નામ પણ છે.
વર્લ્ડકપમાં હીટવિકેટ થનારો ઇમામ પાકિસ્તાનનો બીજો અને વિશ્વનો 11મો ખેલાડી
બાંગ્લાદેશ સામેની મેચમાં આજે સદી ફટકારીને ઇમામ કમનસીબ રીતે હિટ વિકેટ આઉટ થયો હતો. ઇમામ મુસ્તફિઝુરના ઍક બોલને બેકફૂટ પર જઇને રમવામાં પોતાનો કાબુ ગુમાવી બેઠો અને તેનો પગ વિકેટ સાથે અથડાયો હતો. આ સાથે જ વર્લ્ડકપમાં હીટ વિકેટ થનારો તે બીજો પાકિસ્તાની જ્યારે વિશ્વનો 11મો ખેલાડી બન્યો હતો. આ વર્લ્ડકપમાં પણ હિટ વિકેટ થનારો તે બીજો ખેલાડી બન્યો હતો. તેના પહેલા ન્યુઝીલેન્ડનો માર્ટિન ગપ્તિલ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં હિટવિકેટ થયો હતો.