Cricket News:-
IND vs AFG 2nd T20I: જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 14 જાન્યુઆરીએ અફઘાનિસ્તાન સામે ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં મેદાનમાં ઉતરશે, ત્યારે તે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ 150મી T20 ઈન્ટરનેશનલ મેચ હશે અને તે T20 ઈન્ટરનેશનલમાં 150 મેચ રમનાર પ્રથમ ખેલાડી બનશે. 19 સપ્ટેમ્બર 2007ના રોજ ઈંગ્લેન્ડ સામે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર રોહિત શર્માને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરીઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમે શ્રેણીની પ્રથમ મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં રોહિત શર્મા 14 મહિના બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતો જોવા મળ્યો હતો.
રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધી 149 મેચ રમી છે જેમાં તેણે 31.07ની એવરેજથી 3853 રન બનાવ્યા છે. રોહિત શર્માએ આ ફોર્મેટમાં ચાર સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 118 છે. આ પછી ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ છે, જેણે 134 મેચ રમી છે. આ પછી આ લિસ્ટમાં આયર્લેન્ડના જ્યોર્જ ડોકરેલ છે, જેણે 128 મેચ રમી છે. આ યાદીમાં પાકિસ્તાનનો શોએબ મલિક છે, જેણે 124 મેચ રમી છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ 122 મેચો સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.
આ સિવાય રોહિત શર્મા માટે અન્ય રેકોર્ડ લિસ્ટમાં જગ્યા બનાવવાની તક રહેશે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 348 ચોગ્ગા ફટકાર્યા છે અને તેને આ ફોર્મેટમાં 350 ચોગ્ગા પૂરા કરવા માટે વધુ બે ચોગ્ગાની જરૂર છે. રોહિત આ ફોર્મેટમાં બે ચોગ્ગા મારતાની સાથે જ તે 350 ચોગ્ગાનો આંકડો સ્પર્શનાર ચોથો બેટ્સમેન બની જશે. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા મારવાના મામલે પોલ સ્ટર્લિંગ પ્રથમ સ્થાને છે, જેણે 399 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 377 ચોગ્ગા ફટકાર્યા છે. વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાને છે અને તેણે 356 ચોગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં રોહિત શર્મા ચોથા સ્થાને છે.
તમને જણાવી દઈએ કે, સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી મોહમ્મદ નબીની 42 રનની ઇનિંગના આધારે અફઘાનિસ્તાને નિર્ધારિત ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ શિવમ દુબેની અણનમ 60 રનની ઈનિંગના આધારે માત્ર 17.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો અને મેચ જીતી લીધી.