મુંબઈ ટેસ્ટ મેચના ચોથા દિવસે ન્યુઝીલેન્ડનો બીજો દાવ 167 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત આ ટેસ્ટ મેચ 372 રનથી જીતવામાં સફળ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં રનના હિસાબથી ભારતની આ સૌથી મોટી જીત છે. ભારત તરફથી અશ્વિન અને જયંતે 4-4 વિકેટ પોતાના નામે કરી હતી.
આજે ચોથા દિવસે જયંત યાદવે કમાલ કર્યો અને 4 વિકેટ લઈને કિવી ટીમને વેરવિખેર કરી નાંખી હતી. આ જીત સાથે ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિશેલ 60 રનની ઇનિંગ સાથે ટોપ સ્કોરર રહ્યો હતો.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જો કે, મુંબઈ ટેસ્ટ મેચ ઘણી રીતે ઐતિહાસિક રહી છે. એક તરફ જ્યાં ભારતીય ટીમે આખી ટેસ્ટ મેચમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ પર વર્ચસ્વ જમાવ્યું હતું તો બીજી તરફ સ્પિનર એજાઝ પટેલે ઈનિંગમાં 10 વિકેટ લઈને આ ટેસ્ટ મેચને ઈતિહાસના પાના પર નોંધાવી લીધી હતી. આ ટેસ્ટ મેચ ભલે ભારત જીતી ગયું પરંતુ પટેલે લીધેલી 10 વિકેટ માટે આ ટેસ્ટ મેચ ભવિષ્યમાં યાદ રહેશે.