કેપ્ટન મનિષ પાંડેની સદી અને કૃણાલ પંડ્યાઍ ઉપાડેલી 5 વિકેટની મદદથી ભારત-ઍ ટીમે અહીં ત્રીજી બિન સત્તાવાર વનડે મેચમાં વેસ્ટઇન્ડિઝ-ઍને 148 રને હરાવીને પાંચ મેચની સિરીઝમાં 3-0ની અજેય સરસાઇ મેળવી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લઇ 50 ઓવરમાં 6 વિકેટે 295 રન બનાવ્યા હતા અને તે પછી યજમાન ટીમનો 34.2 ઓવરમાં જ 147 રને વિંટો વાળી દઇને સતત ત્રીજી મેચ જીતી હતી.
ભારતીય ટીમ વતી ઓપનર શુભમન ગીલે 77 રન બનાવ્યા હતા અને શ્રેયસ ઐય્યર સાથે તેણે બીજી વિકેટની ભાગીદારીમાં 109 રન જોડ્યા હતા. ઐય્યરે 47 રન કર્યા હતા. મનિષ પાંડેઍ 87 બોલમાં 100 રન ફટકાર્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમ કૃણાલ પંડયા સામે ઘુંટણીયે પડી હતી. પંડ્યાઍ 25 રનમાં 5 વિકેટ ઉપાડતા વેસ્ટઇન્ડિઝની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઇ હતી.
