ઍજબેસ્ટનમાં રમાયેલી મેચમાં રોહિત શર્માની વિક્રમી સદી તેમજ કેઍલ રાહુલ સાથેની તેની ઓપનીંગ ભાગીદારીની મદદથી ભારતીય ટીમે 8 વિકેટે 314 રનનો સ્કોર કરીને બાંગ્લાદેશ સામે 315 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ઍકસમયે ભારતીય ટીમ 350થી વધુ રન કરે તેવી સંભાવના હતી પણ મુસ્તફિઝુર રહેમાને 5 વિકેટ ઉપાડીને ભારતીય ટીમની રનગતિને અટકાવતા તેઓ 314 સુધી સિમિત રહ્યા હતા. 315 રનના લક્ષ્યાંકની સામે શાકિબ અલ હસન અને મહંમદ સૈફુદ્દિનની લડાયક અર્ધસદી છતાં બાંગ્લાદેશ 286 રને ઓલઆઉટ થઇ જતાં ભારતીય ટીમ 28 રને મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશી હતી.
વિરાટ કોહલીઍ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો અને રોહિત શર્મા અને કેઍલ રાહુલની જોડીઍ 180 રનની વિક્રમી ભાગીદારી કરીને જોરદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્માઍ પોતાની કેરિયરની 26મી અને આ વર્લ્ડ કપની વિક્રમી 4થી સદી ફટકારી હતી. રોહિતે 92 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. તેનો જોડીદાર રાહુલ જો કે સદી ફટકારતા ચુક્યો હતો અને 33મી ઓવરમાં 195 રનના સ્કોર પર તે 77 રન કરીને આઉટ થયો હતો. આ બંને રમતા હતા ત્યાં સુધી સ્કોર 350 પાર જવાની સંભાવના હતી.
જો કે 39મી ઓવરમાં મુસ્તફિઝુર રહેમાને પહેલા વિરાટ કોહલી અને તે પછી હાર્દિક પંડ્યાને આઉટ કરીને બાંગ્લાદેશને બે સફળતા અપાવીને જોરદાર વાપસી કરાવી હતી. ઋષભ પંતે 41 બોલમાં 38રનની ઝડપી ઇનિંગ રમી હતી પણ ટીમનો સ્કોર 277 પર પહોંચ્યો ત્યારે તે શાકિબના બોલે મિડવિકેટ પર આઉટ થયો હતો. દિનેશ કાર્તિક પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને 8 રન કરીને આઉટ થયો હતો, જ્યારે ધોનીઍ 33 બોલમાં 35 રન કર્યા હતા.
ભારત વતી જસપ્રીત બુમરાહે 4 જ્યારે હાર્દિક પંડ્યાઍ બેટિંગની કસર પુરી કરીને 3 વિકેટ ઉપાડી
315 રનના લક્ષ્યાંકના જવાબમાં બાંગ્લાદેશે ધીમી શરૂઆત કરી હતી. 10મી ઓવરમાં 39 રનના સ્કોર પર તમીમ ઇકબાલ આઉટ થયો હતો. સૌમ્ય સરકાર સાથે તે પછી શાકિબ અલ હસન જાડાયો હતો અને બંને સ્કોરને 74 સુધી લઇ ગયા ત્યારે સૌમ્ય સરકાર 33 રન કરીને આઉટ થયો હતો. શાકિબે પોતાનું ફોર્મ જાળવી રાખીને વર્લ્ડ કપમાં વધુ ઍક અર્ધસદી ફટકારી હતી. જો કે સામે છેડેથી વિકેટ પડવાનો ક્રમ ચાલું રહ્યો હતો. મુશ્ફીકર રહીમ 24, લિટન દાસ 22 અને મોસાદેક હોસેન 3 રન કરીને આઉટ થયા હતા અને તે પછી વધતી જતી રનરેટના દબાણને કારણે શાકિબ પણ અંગત 66 રન કરીને આઉટ થયો હતો.
તે પછી શબ્બીર રહેમાન અને મહંમદ સૈફુદ્દિને મળીને 7મી વિકેટની ભાગીદારીમાં 66 રન ઉમેરીને ભારતીયોની ચિંતા વધારી હતી. 44મી ઓવરમાં શબ્બીર અને 45મી ઓવરમાં કેપ્ટન મશરફી મોર્તઝા આઉટ થતાં બાંગ્લાદેશની જીતવાની આશા ક્ષીણ થઇ હતી. સૈફુદ્દિન 38 બોલમાં 51 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બુમરાહે 48મી ઓવરના છેલ્લા બે બોલે રુબેલ હૌસેન અને મુસ્તફિઝુર રહેમાનને બોલ્ડ કરતાં બાંગ્લાદેશ 286 રનમાં ઓલઆઉટ થયું હતું. બુમરાહે 4 વિકેટ ઉપાડી તે તમામને તેણે બોલ્ડ કર્યા હતા. હાર્દિકે બેટિંગની રહી ગયેલી કસર બોલિંગમાં પુરી કરીને 3 વિકેટ ઉપાડી હતી, જ્યારે ભુવનેશ્વર, શમી અને ચહલે 1-1 વિકેટ મેળવી હતી.