ગયાનામાં પ્રવાસી ભારત સામેની ત્રીજી ટી-20માં વેસ્ટઇન્ડિઝે પ્રથમ દાવ લઇને કિરોન પોલાર્ડની અર્ધસદીની મદદથી 6 વિકેટે 146 રન બનાવ્યા હતા. 147 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે કેપ્ટન વિરાટ કોહલી (59) અને ઋષભ પંત વચ્ચેની શતકીય ભાગીદારીના પ્રતાપે 19.1 ઓવરમાં 3 વિકેટના ભોગે કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતનો વિન્ડીઝ સામે આ સતત છઠ્ઠો ટી-20 વિજય રહ્યો હતો. જ્યારે વેસ્ટઇન્ડિઝે આ સાથે સર્વધિક 58મી હાર મેળવી હતી.
વિરાટ કોહલીએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને એક વર્ષ પછી પોતાની કેરિયરની બીજી ટી-20માં દીપક ચાહરે પહેલી બે ઓવરમાં જ બંને ઓપનર એવિન લુઇસ અને સુનિલ નરીન ઉપરાંત શિમરોન હેટમાયરની વિકેટ ઉપાડીને ભારતીય કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. પાવરપ્લેમાં યજમાન ટીમે 3 વિકેટે 22 રન જ કર્યા હતા. અહીંથી પોલાર્ડ અને નિકોલસ પૂરને 66 રનની ભાગીદારી કરી ટીમને સંભાળી હતી, જો કે આ ભાગીદારીમાં પોલાર્ડ જ વધુ આક્રમક જણાયો હતો. પૂરન 23 બોલમાં 17 રન કરીને આઉટ થયો તે પછી પોલાર્ડ પણ 45 બોલમાં 6 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 58 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન કોર્લોસ બ્રેથવેટ માત્ર 10 રન કરીને આઉટ થયો હતો. રોવમેન પોવેલે 32 રનની ઝડપી નોટઆઉટ ઇનિંગ રમી હતી અને અંતિમ ઓવરમાં 16 રન કરતાં વિન્ડીઝ 146 સુધી પહોંચ્યું હતું. ભારત વતી દીપક ચાહરે 3 જ્યારે નવદીપ સૈનીએ 2 અને ભારત તરફથી ટી -20 ડેબ્યુ કરનારા રાહુલ ચાહરે 1 વિકેટ લીધી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવામાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 10 રન હતા ત્યારે ઓપનર શિખર ધવન આઉટ થયો હતો. રોહિત શર્માના સ્થાને ટીમમાં સમાવાયેલા કેએલ રાહુલ 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન કરીને આઉટ થયો હતો. અહીંથી વિરાટ કોહલી અને ઋષભ પંતે બાજી સંભાળી લઇને 106 રનની ભાગીદારી કરી હતી. બંનેએ અર્ધસદી ફટકારીને ટીમ માટે વિજયનો પાયો રચ્યો હતો. કોહલી 45 બોલમાં 59 રન કરીને આઉટ થયો હતો. પંતે 20 ઓવરના પહેલા બોલે છગ્ગો ફટકારીને ટીમને પાંચ બોલ બાકી રાખી જીતાડી હતી. પંત 42 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 65 રન કરી નોટઆઉટ રહ્યો હતો.