ટીમ ઇન્ડિયા શનિવારે વર્લ્ડ કપમાં જ્યારે અફઘાનિસ્તાન સામે મેદાને ઉતરશે ત્યારે તે મેન ઇન બ્લ્યુમાંથી બદલાઇને મેન ઇન ઓરેન્જ બની જશે. હાલના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે એમ બે મેચમાં કેસરી રંગની ટી-શર્ટ ધારણ કરીને મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ શનિવારે અફઘાનિસ્તાન સામેની મેચમાં કેસરી રંગની ટી-શર્ટ સાથે પહેલીવાર જોવા મળશે, અત્યાર સુધી ટીમ ઇન્ડિયા પોતાની મેચમાં બ્લ્યુ ટી-શર્ટમા જોવા મળી છે.
ભારતીય ટીમે બે મેચમાં કેસરી રંગ ધારણ કરવાનો નિર્ણય હકીકતમાં આઇસીસી દ્વારા ખાસ કારણોથી લેવાયેલા એક નિર્ણયને પગલે કર્યો છે. વાત એવી છે કે આઇસીસીના નવા નિયમો અનુસાર તે ટીમની ટી-શર્ટના રંગ બાબતે દર્શકોમાં કોઇ ભ્રમણા ફેલાય તેવું નથી ઇચ્છતી. અને એ બધા જ જાણે છે કે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટી-શર્ટનો રંગ લગભગ મળતો આવે છે. આઇસીસીએ સમાન રંગના પાસાને ધ્યાને લઇને આ નિર્ણય કર્યો છે અને આ નિયમ આઇસીસીની તમામ સ્પર્ધાઓમાં લાગુ રહેશે.