લંડન : ભલે સરહદે તંગદીલી હોય અને ટીમ ઇન્ડિયા તેમજ પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે કે કેમ તે અંગે ભલે તર્ક વિતર્ક ચાલી રહ્યા હોય પણ આ બંને પરંપરાગત હરીફ ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ માટે લોકોનું ગાંડપણ યથાવત છે. એ વાતનો પુરાવો આગામી 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન બંને ટીમ વચ્ચે રમાનારી મેચની ટિકીટના વેચાણ પરથી મળી જાય છે.
16મી જૂને માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાનારી ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચની તમામ ટિકીટ ગરમ ભજીયા ઉપડે એ રીતે માત્ર 48 કલાકમાં વેચાઇ ગઇ હતી. એટલું જ નહીં પણ મેચ સંબંધિત માહિતી મેળવવા માટે આયોજનકર્તાઓને જે ફોન આવી રહ્યા છે તેમાંથી મોટાભાગના ફોન ભારત અને પાકિસ્તાનથી આવી રહ્યા છે. આ જ મેદાન પર ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પણ 26મી જૂને મેચ રમાવાની છે પણ તેના માટે લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળતો નથી.
વર્લ્ડ કપના આયોજકો પણ હવે તો એવું માનવા માંડ્યા છે કે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચેની મેચનો જે માહોલ સર્જાશે તેનો મુકાબલો ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સાથે થનારી મેચ પણ નહીં કરી શકે. એવી માહિતી પણ મળી છેકે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચેની મેચની પૂર્વ સંધ્યાએ અહીં ભારત આર્મીની એક કોન્સર્ટ પણ યોજાશે, જેમાં જાણીતો પંજાબી સિંગર ગુરૂ રંધાવા પણ હાજરી આપશે.