આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની આજે અહીં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇલમાં વરસાદે વિઘ્ન નાંખ્યું ત્યારે ન્યુઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા વરસાદ ત્રાટક્યો તે પહેલા ન્યુઝીલેન્ડ સામે ભારતનું પ્રભુત્વ રહ્યું હતું. ભારતીય બોલરોઍ કરેલી જોરદાર બોલિંગના કારણે ન્યુઝીલેન્ડ માંડ માંડ 200 પાર પહોંચ્યું હતું. મેચ દરમિયાન કેન વિલિયમ્સન અને રોસ ટેલરે અર્ધસદી તો ફટકારી પણ મિડલ ઓવરોમાં તેઓની રમત ઘણી ઘીમી રહી હતી અને તેના કારણે 29મી ઓવરમાં તેમના 100 રન પુરા થયા હતા. ન્યુઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન બનાવ્યા તે પછી વરસાદને કારણે રમત બંધ રાખવી પડી હતી.
કેન વિલિયમ્સન અને રોસ ટેલરે અર્ધસદી ફટકારી પણ મિડલ ઓવરમાં બંનેની રમત ઘણી ધીમી રહી
આ પહેલા ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યો હતો જો કે તેમની શરૂઆત સારી રહી નહોતી અને માત્ર 1 રનના સ્કોર પર તેમણે માર્ટિન ગપ્તિલની વિકેટ ગુમાવી દીધી હતી. હેનરી નિકોલસ સાથે તે પછી રમતમાં જાડાયેલા કેન વિલિયમ્સને તેની સાથે બીજી વિકેટની 68 રનની ભાગીદારી કરી હતી. નિકોલસ 28 રન કરીને રવિન્દ્ર જાડેજાના બોલે બોલ્ડ થયો હતો. વિલિયમ્સને તે પછી રોસ ટેલર સાથે મળીને દાવ આગળ ધપાવ્યો હતો. જો કે બંનેઍ ખુબ જ ધીમી બેટિંગ કરી હતી અને તેના પરિણામે 28.1 ઓવરમાં તેઓઍ 100 રન પુરા કર્યા હતા. વિલિયમ્સને 79 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. તે 95 બોલમાં 67 રન કરીને આઉટ થયો ત્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 136 રન થયો હતો. ન્યુઝીલેન્ડે પોતાના 200 રન 45મી ઓવરમાં પુરા કર્યા હતા, જા કે અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવવાના પ્રયાસમાં તેમણે વધુ 2 વિકેટ ગુમાવી દીધી હતી અને 46 ઓવરના અંતે તેમનો સ્કોર 5 વિકેટે 209 રન હતો. ભુવનેશ્વર કુમાર પોતાની 9મી અને મેચની 47મી ઓવરનો પહેલો બોલ ફેંક્યો તે પછી વરસાદનું આગમન થયું હતું અને તે પછી મેચ ફરી શરૂ થઇ શકી નહોતી.