ભારતીય ટીમના ટેસ્ટ નિષ્ણાત ચેતેશ્વર પુજારા, અજિંકેય રહાણેની સાથે જસપ્રીત બુમરાહ બે મેચોની સિરીઝ પહેલા વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ ઇલેવન સામે શનિવારથી શરૂ થનારી ત્રિદિવસીય પ્રેક્ટિસ મેચમાં પોતાના શસ્ત્ર સજાવવા માગશે. કેપ્ટન કોહલીને ત્રીજી વન ડે દરમિયાન અંગુઠામાં ઇજા થઇ છે ત્યારે ટીમ મેનેજમેન્ટ થોડી સતર્કતા દાખવે તેવી સંભાવના છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને તે આરામ આપી શકે છે.
ટેસ્ટ ફોર્મેટમાં પુજારા છ મહિના પછી લાલ બોલનું સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા ઉતરશે. તે અંતિમ વાર સૌરાષ્ટ્ર વતી રણજી ફાઇનલ રમ્યો હતો. જ્યારે રહાણે ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં 23.61ની એવરેજે માત્ર 307 રન જ બનાવી શક્યો છે. બુમરાહ આરામ કરીને હવે તાજોમાજો થઇ ગયો હશે. રોહિત શર્મા અને પંત ટેસ્ટમાં પોતાની બહેતરી સાબિત કરવા માટે આ પ્રેક્ટિસ મેચનો ઉપયોગ કરી શકે છે.