શનિવારે રમાયેલી લીગ રાઉન્ડની અંતિમ બે મેચ સાથે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની રાઉન્ડ રોબિનની 45 મેચ પુરી થઇ હતી અને તેની સાથે જ જે ચાર સેમી ફાઇનાલિસ્ટ નક્કી હતા, તેમાંથી કોણે કોની સામે રમવાનું તે પણ નક્કી થયું હતું. તેના પગલે હવે ભારતીય ટીમ મંગળવારે પહેલી સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે રમશે, જ્યારે યજમાન ઇંગ્લેન્ડનો સામનો ગુરૂવારે રમાનારી બીજી સેમી ફાઇનલમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન અોસ્ટ્રેલિયા સાથે થશે.
ભારતીય ટીમ શ્રીલંકા સામે જીતી તેની સાથે જ તે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઇ હતી, જ્યારે અત્યાર સુધી ટોચના સ્થાને રહેલી અોસ્ટ્રેલિયાની ટીમ પોતાની અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારી જતાં તેઅો બીજા સ્થાને સરકી ગયા હતા. ભારતીય ટીમ ટોચના સ્થાને હોવાથી તેણે સેમી ફાઇનલમાં ચોથા સ્થાને રહેલા ન્યુઝીલેન્ડ સામે રમવાનું આવ્યું હતું અને બીજા સ્થાને રહેલા અોસ્ટ્રેલિયાઍ ત્રીજા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ટીમ સામે રમવાનું આવ્યુંં છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે, કારણ હાલના વર્લ્ડકપમાં બંને ટીમ ઍકબીજા સામે રમી નથી. તેમની વચ્ચેની લીગ રાઉન્ડની 13મી જૂનની મેચ વરસાદે ધોઇ નાંખી હતી. ભારતીય ટીમને લીગ સ્ટેજમાં માત્ર ઇંગ્લેન્ડ સામે ઍક પરાજય મળ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કર્યા પછી પાકિસ્તાન, અોસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની મેચો ગુમાવી દીધી હતી. ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૯મી જૂને અહીંના અોલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાશે, આ મેદાન પર જ ભારતીય ટીમે પાકિસ્તાનને પરાસ્ત કર્યુ હતું. આ મેદાન પરનો ભારતીય ટીમનો રેકોર્ડ અોવરઅોલ 50-50નો છે.