ઍજબેસ્ટનના મેદાનનો આકાર ઍવો છે કે જેના કારણે ભારતીય ટીમના બોલિંગ આક્રમણમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ મેદાન પર જ જાની બેયરસ્ટો અને જેસન રોયે ભારતીય સ્પિન બેલડીની ભારે ધોલાઇ કરી હતી. આ પરિસ્થિતિમાં જ્યારે બાંગ્લાદેશ પાસે તમિમ, શાકિબ, રહીમ, લિટન દાસ અને મહમદુલ્લાહ જેવા સ્પિનરને સારી રીતે રમતા બેટ્સમેન સામે બે સ્પિનર લઇને ઉતરવું મોંઘુ પડી શકે છે. ભુવનેશ્વર કુમાર ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે ત્યારે ત્રણ ઝડપી બોલર અને ઍક સ્પિનર સાથે ઉતરવું હિતાવહ રહેશે. ભુવનેશ્વરના સમાવેશથી નીચલા ક્રમે બેટિંગને પણ મજબૂતાઇ મળી શકે છે.
ઇંગ્લેન્ડ સામેના નબળા પ્રદર્શનને કારણે જાદવને બહાર મુકી જાડેજાના સમાવેશની સંભાવના
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ફિનીશર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીનું ખરાબ પ્રદર્શન અને તેની સાથે જ મિડલ અોર્ડરની નિષ્ફળતાથી ટીમ ઇન્ડિયાની નબળી બાજુ ખુલ્લી પડી ગઇ છે. ઇંગ્લેન્ડ સામે અંતિમ પાંચ અોવરમાં જ્યારે ધોની અને કેદાર જાદવ ક્રિઝ પર હતા ત્યારે ભારતીય ટીમ માત્ર ૩૯ રન કરી શકી હતી. આ બંનેઍ સપાટ પીચ અને નાની બાઉન્ડરીનો કોઇ ફાયદો ન ઉઠાવ્યો અને ૩૦ બોલમાંથી ૭ પર કોઇ રન ન બન્યા અને ૨૦ સિંગલ તેમણે લીધા અને ધોનીઍ અંતિમ અોવરમાં માત્ર ઍક છગ્ગો ફટકાર્યો. ધોની જેવા સીનિયરને મેનેજમેન્ટ બહાર નહીં જ બેસાડે ઍટલે જાદવને ભોગ બનાવીને તેને બહાર બેસાડી રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થવાની સંભાવના વધી છે.