ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મંગળવારે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે ટી-20 સિરીઝની પહેલી મેચ રમવા ઉતરશે ત્યારે તેમનો ઇરાદો પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાનો હશે. સામા પક્ષે પ્રવાસી ટીમ બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચના વિજયથી ઉત્સાહિત છે અને તેઓ જોરદાર પ્રતિકાર કરવાની ઇચ્છા ધરાવતા હશે ત્યારે શહેરના ક્રિકેટ રસીકોને એક જોરદાર જંગ જોવા મળે તેવી સંભાવના છે.
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર સાંજે 7.00 વાગ્યે મેચ શરૂ થશે : વિના મુલ્યે મેચ નિહાળી શકાશે
બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમે 3 મેચ જીતી હતી અને એક મેચ દક્ષિણ આફ્રિકન ટીમ જીતી હતી અને એક મેચનું પરિણામ આવ્યું નહોતું. આ સિરીઝ ભારતીય મહિલાઓ 3-1થી જીતી હતી અને હવે ભારતીય મહિલા ટીમ પોતાના ઘરઆંગણે રમવાનો ફાયદો ઉઠાવીને ફરી એકવાર આ ટી-20 સિરીઝમાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા માગશે.
જો કે તેઓ પ્રવાસી ટીમને હળવાશમાં નહીં લે, કારણ રવિવારે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે એ બતાવી દીધું હતું કે તેઓ પણ એમ જ પરાસ્ત થઇ જાય તેવી ટીમ નથી. લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર સાંજે 7.00 વાગ્યે મેચ શરૂ થશે. આ મંય માટે કોઇ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી અને વિના મુલ્યે મેચ નિહાળી શકાશે. જો કે મેચ આમ તો 7.00 વાગ્યે શરૂ થશે પણ બન્ તેટલા વહેલા પહોંચશે તેમને મેચ જોવા માટે સારી જગ્યા મળી શકે છે.